પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૨ : ક્ષિતિજ
 


‘ઠીક, તેથી જ તે રોમનોને હિંદમાંથી જતા કર્યા અને સાથે સાથે ક્ષમાને ! આર્યધ્વજ એમ ફરકાવાશે ?' સુકેતુ બોલ્યો. તેઓ પોતાની છાવણીમાં જવા ઊભાં થયાં અને તે જ ક્ષણે એક ગુપ્તચર આવ્યાની ખબર પડી. ‘અંદર બોલાવો.’ ઉલૂપીએ કહ્યું. ગુપ્તચર અંદર આવ્યો અને લશ્કરી વંદન કરી બોલ્યો : ‘હું પેલા મહાત્મા પાસે જઈ આવ્યો. એ અવંતિ છોડી ગયા. અહીં આવવા તેમણે ના પાડી.’ ‘કોણ હશે એ ?’ ‘એક ચિત્રકારના ઘરમાં ગયા. અને આપને માટે થોડાં ચિત્રો મોકલ્યાં છે.' કહી ગુપ્તચરે ચિત્રો બહાર કાઢ્યાં. ‘હું ચિત્રનો શોખીન છું એમ એને ક્યાંથી ભ્રમ થયો ?’ સુકેતુએ એક ચિત્રને હાથમાં લેતાં બરાબર કહ્યું. પરંતુ ચિત્ર તરફ નજર નાખતાં જ તે ચમક્યો. તેણે ઉલૂપી તરફ ચિત્ર ધર્યું. બંને હસી પડ્યાં. સુબાહુએ ચિત્ર જોયું; એના મુખ ઉપર સખ્ત ભાવ તરી આવ્યા. ‘આ શું ?’ સુબાહુએ પૂછ્યું. ‘આ તો સુકેતુએ એક વખત માળવાની કીર્તિ ચિરંજીવી કરવા માટે ચિત્રો માગ્યાં હતાં.' ઉલૂપીએ કહ્યું. ‘એટલે ?’ ‘બૃહન્નલા સ્ત્રીઓની કતલ કરે છે એ સાંભળી મારાથી બોલાઈ ગયું. અને અહીં તો બૃહન્નલાઓનાં ચિત્રો પણ તૈયાર છે સુકેતુ બોલ્યો. ‘મહાત્માએ જતે જતે મને આટલો સંદેશો કહેવાનું કહ્યું ઃ જે કરશો એનાં ચિત્રો જગતનો ચિત્રગુપ્ત ચીતર્યે જ જાય છે. એ ચિત્રો - ન દેખાય તોય અમર છે.’ ત્રણે જણ સાંભળી રહ્યાં. જરા રહી સુબાહુ અને સુકેતુ પોતાની છાવણીમાં જવા લાગ્યા. જતે જતે ઉલૂપીએ પૂછ્યું : ‘સુબાહુ ! ઉત્તુંગનું શું થયું હશે ?’ ‘એનો વધ થાય એમ હું માનતો નથી.'