પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨ : ક્ષિતિજ
 

૩૨ : ક્ષિતિજ બેદરકારીથી ચાલવા લાગી. સુબાહુએ ચાલી જતી ક્ષમા તરફ જોયું, અને સૈનિકોને કહ્યું : ‘બસ. હું સુરક્ષિત છું. સુકેતુને કહેવરાવો.' સૈનિકો નમન કરી ચાલ્યા ગયા. ભાઠું ઓળંગી તેઓ હોડીમાં બેઠા અને હોડી અદૃશ્ય થઈ ત્યાં સુધી સુબાહુએ નદી તરફથી દૃષ્ટિ ખસેડી જ નહિ. ક્ષમા ચાલી જશે એની જાણે તેને પરવા ન હોય એમ લાગ્યું. ક્ષમાએ સુબાહુની બેપરવાઈનો લાભ લીધો. કાર્મોનિજ્જ તો ન પહોંચાયું, પરંતુ વચમાં માર્ગ જડી જશે એવી તેને આશા હતી. અને કોઈ પણ રીતે સુબાહુના હાથમાંથી છૂટવું એ નિશ્ચય તેણે દૃઢ કરી રાખ્યો હતો. રેતીનો વિશાળ પટ ઓળંગી તેણે ઝાડીમાં પ્રવેશ કર્યો. પરંતુ તેને વિચાર તો આવ્યો જ કે સુબાહુ શા માટે તેની પાછળ આવતો નથી ? તેણે પાછું જોયું. સુબાહુ રેતીમાં બેસી રહ્યો હતો. ઝાડનાં ઝુંડ પાછળ ડોકિયાં કરતો સૂર્ય ચારે પાસ તેજછાયાની જાળી ગૂંથી રહ્યો હતો. જાણે કોઈ જગવિજયી ચક્રવર્તીનાં કાવતરાનું પ્રતિબિંબ ! ક્ષમાને તાપી કિનારાનું માવન ગમ્યું. વનમાં પેસતાં જ મોટાં મોટાં સાગનાં વૃક્ષ ક્ષમાને આવકાર આપી રહ્યાં. માર્ગ ન હતો, પરંતુ સ્થળે સ્થળે પગથી પડેલી હતી. મોટાં વૃક્ષોની છાયામાં નાનાં નાનાં વૃક્ષ, ઘાસ, ઝાંખરાં, બોરડીઓ વનને ઘન બનાવી રહ્યાં હતાં. ‘આ વન હાથમાં આવે તો રોમનું નૌકાસૈન્ય ત્રણ ગણું વધી જાય.’ ક્ષમાને વિચાર આવ્યો. અને નૌકાસૈન્ય વધે તો અવિર્દ જીતી, મહાચીન સુધી ઝડપથી પહોંચી જવાય. રોમન મહારાજ્ય ત્યારે જ જગતસામ્રાજ્ય બની શકે.' જગતભરમાં રોમન ધ્વજ ઊડતો ક્ષમાએ કલ્પ્યો. પગથી અટકી આગળ જવાનો માર્ગ ન હતો. માર્ગ ન હોય તેથી કાંઈ રોમન પ્રગતિ અટકે ? સહજ જાળું ખસેડી ક્ષમાએ આગળ માર્ગ કર્યો. બે સસલાં એ જાળમાં સંતાઈ રહ્યાં હતાં તે ક્ષમાને નિહાળી અદૃશ્ય થઈ ગયાં. ક્ષમા હસી. રોમ આગળ સહુ કોઈ સસલું બની જાય છે ! સાગનાં વક્ષોની વચ્ચે તેણે સીસમનું એક વૃક્ષ જોયું. સીસમનો એક સુંદર પલંગ ક્ષમાના મહાલયમાં પડી રહ્યો હતો. એ પલંગ ઉપર તે અનેક મીઠાં સ્વપ્ન માણતી હતી. એ સ્વપ્ન છોડી તે આજ દરિયા અને વનની મૈત્રી શોધી રહી હતી. શું સારું ? પલંગ ઉપર આવતાં સ્વપ્ન ? કે દરિયાની છોળ ઉપર સર્જાતાં સત્ય ? પલંગ ઉપરનાં સ્વપ્ન પણ ખૂબ મીઠાં હોય છે. પરંતુ પલંગ ઉપર તે સર્વદા એકલી જ સૂતી ! કેવું એકાન્ત ?