પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અજાણ્યો પ્રદેશ : ૩૩
 

અજાણ્યો પ્રદેશઃ ૩૩ ક્ષમાએ મધુર લાગતા વિચારને અળગો કર્યો. માધુર્યનો તેને તિરસ્કાર હતો. માધુર્ય અને શૌર્ય સાથે રહી શકતાં નથી. સૈનિકનું જીવન એ કઠોર તપશ્ચર્યા છે. મૃત્યુ સાથે ખેલનારી ક્ષમાને માધુર્ય સાથે શી નિસ્બત ? એકાએક તેણે જીવતું મૃત્યુ સામે નિહાળ્યું. તેની સામેના વૃક્ષની ડાળ પાછળથી એક ભયંકર નાગ લટકી ઊછળી રહ્યો. ક્ષમાના હૃદયમાં કંપ થયો. તે પાછી ખસી. નાગે ઝોલો લઈ પોતાની ફણા ક્ષમાના મુખ ઉપર ફેંકી. ક્ષમાએ પોતાના બંને હાથ મુખ ઉપર મૂકી દીધા. તેનાથી ચીસ પડાઈ ગઈ. ચીસ પાડતાં બરોબર તેને પોતાના સામર્થ્યનું ભાન આવ્યું. નાગની ઝપટ તેને લાગતી રહી ગઈ હતી. નાગની ફણા કરતાં ક્ષમાના હાથની ઝપટ ઓછી ન હતી. વીજળીના વેગથી તેણે ભોંકેલાં ખંજર તેને યાદ આવ્યાં. વૃક્ષને અઢેલી તેણે મુખ ઉપરથી હાથ ખસેડ્યો. અને જ્યાં ખંજર કાઢવા જાય છે ત્યાં તો તેણે ત્રણ નાગને પોતાની આસપાસ લટકતા જોયા!