પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મંદિરમાં : ૫૯
 


તેણે મંદિરમાં પ્રવેશ પણ મેળવ્યો. ક્ષમાએ ધારીને જોયું કે તેને પોતાને જેમ રોકી હતી. તેમ સુબાહુને કોઈએ રોક્યો નહિ. એણે શું ધર્મદીક્ષા લીધી હતી ? હિંદવાસીઓના કેટલા ધર્મ ?' ફરીથી તેને કાને શબ્દ અથડાયા. ‘અહીંથી ચાલી જા.' સુબાહુ તે વખતે ત્યાં ન હતો. ક્ષમા ચમકી. કોણ આ સૂચના વારંવાર આપે છે ? ઓટલાની આસપાસ તેણે જોયું. કોઈ દેખાયું નહિ. માત્ર એક વૃદ્ધ પુરુષ ઓટલાની નીચે બેઠો બેઠો જનાર આવનારને પુષ્પપત્ર આપતો હતો. શિવપૂજન બીલીની ત્રિપાંખડી વડે કરવું જોઈએ. બીલીપત્ર વહેંચવા માટે ઓટલા ઉપર અને ઓટલા નીચે કૈંક સ્ત્રીપુરુષ બેઠાં હતાં. કોઈ તેમની પાસે પુષ્પ કે બીલીપત્ર માગે તેને તે આપતાં હતાં. એની કિંમત કોઈ આપતું લેતું નહોતું. શું આ અસંસ્કૃત પ્રજામાં પૈસા જેવી લેવડદેવડની સગવડ હતી જ નહિ ? ઓટલાની નીચાણમાં બેસી ફૂલ આપનાર વૃદ્ધે ઓટલા ઉપર સહજ દૃષ્ટિ કરી. ક્ષમાને લાગ્યું કે વૃદ્ધ તેને સાન કરે છે. ‘જરા નીચે આવે.’ ક્ષમાને કાને પાછો વિચિત્ર ભણકાર સંભળાયો. ક્ષમા નીચે ઊતરી વૃદ્ધ પાસે ઊભી રહી. ‘હું રોમન છું.’ ક્ષમાએ ફરી શબ્દો સાંભળ્યાં. એ કોણ બોલતું હતું તેની સમજણ ક્ષમાને જરાય પડી નહિ છતાં તેને લાગ્યું તો ખરું જ કે પેલો વૃદ્ધ કોઈ અજબ કંઠકળાના પ્રભાવથી સંદેશો આપતો હતો. ક્ષમાએ વૃદ્ધને પૂછ્યું : ‘તમે મને બોલાવો છો ?’ ‘હા. સામે જોયા વગર વાત કર. અહીંથી ચાલી જા.’ વૃદ્ધે એક ક્ષણ ક્ષમાની સામે જોઈ તેને ખાતરી થાય એટલું કહી તત્કાળ નીચું જોયું અને મસ્તક ધુણાવી એકાએક તેણે કાંઈક અસંબદ્ધ રીતે કહ્યું : ‘તમને ફૂલ કે બીલી નહિ મળી શકે.’ મારે જોઈએ તોય નહિ ?’ ‘આ દેવ૫૨બ છે. ફૂલપરબમાં જશો તો મળશે.’ ‘ફૂલપરબ ? સરસ ! પણ હું તો દેવ માટે લઈશ.’ ‘દેવદર્શન આજ તમને નહિ થાય.' વૃદ્ધે કહ્યું અને બીલીની ટોપલી ઢાંકી દીધી.