પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
લાલચ : ૬૩
 

‘એમ ? નક્કી થયું ?' તે સિવાય ઉલૂપી આવતી કાલનો ક્રમ ગોઠવે નહિ. ‘આવતી કાલનો ક્રમ ? હા... હા...’ ક્ષમા પ્રથમ ચમકી અને પછી ઉલૂપીના બોલ યાદ આવતાં હસી પડી. તેના હાસ્યમાં અવાસ્તવિકતા ઊછળતી હતી. પરંતુ સ્ત્રીનું ખોટું હાસ્ય ભાગ્યે જ પકડાય છે. ‘ઉત્તુંગ ! આ તમારા રહેવાના ઘર બહુ વિચિત્ર, નહિ ?’ મકાન પાસે આવતાં ક્ષમાએ પૂછ્યું. ‘જરૂરિયાત પ્રમાણે ઓરડા હોય.’ ‘તારે કેટલા ઓરડા છે ?’ ‘ત્રણ.’ ‘એટલે થાય છે ? ‘એકલા માણસને કેટલી જગ્યા જોઈએ ?’ ‘પણ તું એકલો મટી જા ત્યારે ?’ ‘ત્યારે બીજા ત્રણ વધારે મળે.’ અત્યારેય તું એકલો ક્યાં છે ?’ ‘તો બીજું કોણ છે ?’ ‘હું છું ને ?’ ‘તું મારા ઓરડામાં રહેતી નથી.’ ‘ત્યારે ?’ ‘તું મહેમાનના ઓરડામાં રહે છે.’ ‘પણ તું તો ત્યાં સતત બેઠેલો જ રહે છે.’ ‘તને મારી મહેમાન ગણી છે. ‘મહેમાનની સતત ચોકી તારે કરવાની ?’ ‘તું અમારી સાથે ભળે નહિ ત્યાં સુધી તારી ચોકી ચાલુ જ રહેવાની.’ પણ હું દીક્ષા લેવા કબૂલ થાઉ તોય ?’ એનો જવાબ ઉત્તુંગ આપે તે પહેલાં મકાન આવી ગયું. ઉત્તુંગ ક્ષમાને તેના મૂળ ઓરડામાં લઈ ગયો. ઓરડો અત્યારે પ્રકાશિત હતો. ક્ષમા પોતાના બિછાના ઉપર આડી પડી. તેને સહજ થાક લાગ્યો હતો. એક સ્ત્રી થાળમાં સુંદર વાનીઓ ભરી ભોજન લઈ આવી. ઉત્તુંગે કહ્યું : ‘ક્ષમાને આજે ફળ જ આપો.’