પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

લાલચ
 


ક્ષમાની આંખમાં વેરની ઘેરાશ અને તલવા૨ની ચમક હતી, ક્ષણભર ઉલૂપી પણ તેની સામે જોઈ રહી. ‘ચાલ, ઉત્તુંગ !’ ક્ષમાએ આજ્ઞા કરી અને ઉત્તુંગના પગ એકદમ ઊપડ્યા. ઉત્તુંગે બેત્રણ ડગ ભર્યાં, અને તેને પણ પોતાના આજ્ઞાધારક- પણાનો સંકોચ થયો. તેણે સુબાહુ અને ઉલૂપી તરફ જોયું. ઉલૂપાના મુખ ઉપર સ્મિત હતું. ‘અમારો સેનાપતિ આજ્ઞા પાળવામાં યંત્ર સરખો છે.' સહજ ખભો ચઢાવી ઉલૂપી બોલી. આશા પાળે તે જ આજ્ઞા આપી શકે.’ ગંભીર સુબાહુએ ગાંભીર્યથી કહ્યું. ‘પણ આજે મધરાતે સભા છે. ભુલાય નહિ, ઉત્તુંગ !’ ઉલૂપીએ કહ્યું. ઉલૂપી અને સુબાહુ એક પાસ ચાલ્યાં. ક્ષમા અને ઉત્તુંગ બીજી પાસ ચાલ્યાં. મંદિરમાંથી નીકળેલાં લોકો આ બંને વિચિત્ર યુગલોને જોઈ રહ્યાં. ‘શાની સભા છે ?’ ક્ષમાએ ઉત્તુંગને પૂછ્યું. ‘ગુપ્ત મંત્રણા છે.’ ‘મારાથીયે ગુપ્ત ?’ ઉત્તુંગે કશો જવાબ ન આપ્યો. ઉત્તુંગને સમજ ન પડી કે એ પ્રશ્નનો જવાબ આપવો કે નહિ. તેના હૃદય ઉપર હલ્લો થતો હતો. જરા આગળ જઈ ક્ષમાએ પૂછ્યું : ‘આચાર્યે શું કહ્યું પછી ?’ ઉત્તુંગ ફરી ચમક્યો. ક્ષમા આટલી ઉતાવળ કેમ કરતી હતી ? ઉત્તુંગના પૌરુષે શું તેને આકર્ષી હતી ? પરપ્રજાનાં સ્ત્રીપુરુષો નાગલોકમાં આટલી સરળતાથી ભળી જતાં નહિ. ‘હા પાડી.’ ‘એટલે !’ ‘તારો ઉપવાસ માન્ય રહેશે.’