પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
લાલચ : ૬૭
 


ઉત્તરે સિંધુથી તે દક્ષિણે રામેશ્વર સુધી જંગલ અને જંગલને અડકેલા પ્રદેશોમાં નાગજાતિનાં સંસ્થાનોની હાર આવેલી હતી. એ સંસ્થાનો વચ્ચે સંબંધ જળવાઈ રહેલો હતો, અને સંઘરચના દ્વારા તેમનો રાજકીય અને સામાજિક વહીવટ નાગજાતિને બહુ સંગઠિત રાખી શક્યો હતો. પડોશના આર્યો સાથે દસકો સારો અને દસકો તકરારનો જતો, છતાં એમના ઘર્ષણ માંથીયે પરસ્પર વચ્ચે એક પ્રકારની સહાનુભૂતિ જાગૃત થતી હતી. શાન્ત સમયમાં શાંતિભર્યાં લગ્ન અને યુદ્ધપ્રસંગનાં હરણ બંને જાતિઓને પાસે લાવતાં હતાં છતાં જ્યારે વૈરભાવ જાગૃત થતો ત્યારે પરસ્પરની દુશ્મનાવટ બહુ જ તીવ્ર બની જતી, અને એક વર્ગ બંને જાતિમાં એવો તો રહેતો જ કે જે એકબીજાનાં વૈરસ્થાનોને સજીવન રાખે. વૈરસ્થાનો જીવતાં રાખવાના પ્રસંગો પણ વારંવાર બનતા. ઉત્તુંગને આર્યત્વમાં ઝેર દેખાતું. તેના આર્ય- વિરોધે તેને સંઘપતિ થતો અટકાવી દીધો. ક્ષમાએ પૂછેલા પ્રશ્ને તેને જાગૃત કર્યો. ક્ષમા સાથે લગ્ન કરી આજ્ઞાધારક સેનાપતિ તરીકે રહેવાની તેની તૈયારી હતી ? ક્ષમા હોય કે ન હોય છતાં સંઘપતિ બનવાની તેની અભિલાષાની તેણે એક ક્ષણ પણ જતી કરવી કે કેમ ? અત્યારે તે ક્ષમાનું રૂપ જોવામાં મશગૂલ હતો. ક્ષમાનું રૂપ જગતના કોઈ પણ પ્રાપ્તવ્યના સામા પલ્લામાં મૂકી શકાય એવું હતું. પરંતુ સંઘપતિત્વ ? ક્ષમાને ભોગે પણ એ સ્થાન ઉત્તુંગ ઇચ્છે. ઉત્તુંગ સરળ હૃદયનો હતો. પ્રામાણિકપણે તે પોતાના હૃદયને વ્યક્ત કરતો. આજ્ઞાપાલનની અદ્ભુત શક્તિ ધરાવતો. તેથી જ તેને અને નાગસંઘના મોટા ભાગને વિરોધ હોવા છતાં તેને સેનાપતિનું સ્થાન મળ્યું હતું. સંઘપતિની આજ્ઞાનું પાલન તે કર્યો જતો, છતાં સેનાપતિ તરીકે તે સૈનિકો પાસે કડક આજ્ઞાપાલન પણ કરાવતો. નાગસૈન્ય તેના નેતૃત્વમાં ઘણું જ દક્ષ બની ગયું હતું. તે સંઘપતિ બને તો જગતભરમાંથી આર્યત્વને નાબૂદ ન કરી શકે ? ‘કેમ જવાબ ન આપ્યો ?’ ક્ષમાએ પૂછ્યું. ‘હું જવાબ નહિ આપું.’ ‘એટલે એમ જ ને કે તું મારા કરતાં સંઘપતિનું સ્થાન વધારે ઇચ્છવા જેવું ગણે છે ?’ ‘ક્ષમા ! શા માટે આ પ્રશ્નને તું આગળ કરે છે ? એ પ્રશ્ન અસંબદ્ધ અને નિરર્થક છે.’ ‘નિરર્થક ? મારે મન એમાં મોટામાં મોટો અર્થ સમાયો છે.’ ‘હું કહીશ તો તને ખોટું લાગશે.’