પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ હું જાણું છું કે ઉપર આપેલાં દૃષ્ટાંત પૈકી કેટલાંકમાં ચેમ્બરલેન સહેલાઈથી રાહત આપી શકે એમ નથી, જેમ કે શ્રી દ’સિલ્વાની બાબત; પરંતુ એટલી હકીકત તો સ્પષ્ટ છે કે આવા દાખલા બને છે કારણ કે હિંદીઓની ફરિયાદો પ્રત્યે ઇંગ્લંડની અને હિંદની સરકારો ઉદાસીન હોવાથી દક્ષિણ આફ્રિકાના હિંદીઓ વિરુદ્ધ પૂર્વગ્રહ જડ ઘાલી બેઠો છે. અમારા પર થતા હુમલાના બધા જ દાખલામાં નિયમ તરીકે અમારી કાર્યપદ્ધતિ તેમના તરફ કાંઈ પણ ધ્યાન નહીં આપવાની છે. કોઈ આપણને એક ગાઉ જવાનું કહે તો આપણે બે ગાઉ જવું, એ સિદ્ધાંતનું અમે બને તેટલું પાલન કરીએ છીએ. સાચી રીતે અને દિલપૂર્વક દક્ષિણ આફ્રિકામાં, ખાસ કરીને નાતાલમાં, કષ્ટ સહન એ હિન્દીઓનું ચિહ્ન છે. છતાં હું કહું છું કે અમે આ નીતિને કંઈ પરોપકારબુદ્ધિથી નહીં પણ ચોખ્ખા સ્વાર્થના હેતુઓસર અનુસરીએ છીએ. બહુ દુ:ખદ અનુભવો દ્વારા અમે જોયું છે કે ગુનેગારોને ન્યાયાસન આગળ રજૂ કરવા એ કંટાળા- જનક અને ખર્ચાળ કામગીરી છે. ઘણી વાર એનાં પરિણામ અમે ધાર્યું હોય એના કરતાં ઊલટાં આવે છે. ગુનેગારને કાં તો ચેતવણી આપી છોડી મૂકવામાં આવે છે અગર એને “પાંચ શિલિંગ દંડ કે એક દિવસની કેદ”ની સજા કરવામાં આવે છે. પીંજરામાંથી નીકળીને એ જ માણસ વધારે ધમકીભર્યું વલણ અખત્યાર કરે છે ને ફરિયાદી વિચિત્ર સ્થિતિમાં મુકાય છે. વળી, આવાં કૃત્યો છાપાંમાં જાહેર કરવામાં આવે તો બીજાને તેવાં કૃત્ય કરવાનું ઉત્તેજન મળે છે. આથી સામાન્ય રીતે અમે નાતાલમાં આવાં કૃત્યોનો જાહેરમાં ઉલ્લેખ પણ નથી કરતા. હિંદીઓ પ્રત્યેનો આવો દુષભાવ આખા દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ માટે ઘડાતા ખાસ કાયદાઓમાં ઉતારવામાં આવ્યો છે. એ કાયદા ઘડવાનો હેતુ હિંદી સમાજની એ દેશમાં માનનિ કરવાનો છે. નાતાલ રાજ્યનો ઍટર્ની જનરલ હિંદીઓને હંમેશ માટે લાકડાં કાપનાર ને પાણી ખેંચનાર” મજૂર રાખવા માગે છે. અમને દક્ષિણ આફ્રિકાના વતનીઓ – કાફર પ્રજાઓ –ના વર્ગમાં મૂકવામાં આવ્યા છે. હિંદીઓની સ્થિતિનું વર્ણન તે આ શબ્દોમાં કરે છે: “આ હિંદીઓને અહીં સ્થાનિક ઉદ્યોગોની ખિલવણી માટે જોઈતાં મજૂર પૂરાં પાડવા માટે લાવવામાં આવ્યા હતા. જુદાં જુદાં રાજ્યોમાં જે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રનું નિર્માણ થઈ રહ્યું હતું તેનું અંગ બનવા માટે નહીં.” ઑરેન્જ ફી સ્ટેટની નીતિએ, તેના મુખ્ય વર્તમાનપત્રના શબ્દોમાં, “બ્રિટિશ રાજ્યના હિંદીઓને દક્ષિણ આફ્રિકાના આદિવાસીઓના વર્ગમાં માત્ર મૂકી દઈને તેમનું અસ્તિત્વ અશકય કરી મૂકયું છે” અને એ નીતિ ત્યાંનાં બીજાં રાજ્યોએ આદર્શ તરીકે અપનાવી છે. જો હિંદી પ્રજા જાગ્રત નહીં થાય તો ફ઼ી સ્ટેટે જે કર્યું છે તે બહુ થોડા જ સમયમાં બીજાં રાજ્યો પણ કરશે. અમે હાલ કટોકટીની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. બધી બાજુથી અમને પ્રતિબંધો અને જુલમી કાયદાથી જકડી લેવામાં આવ્યા છે. હવે હું ઉપર વર્ણવેલી ધિક્કારની લાગણીને કાયદાનું સ્વરૂપ કેવી રીતે આપવામાં આવ્યું છે, તે જણાવીશ. કોઈ હિંદી રાત્રે નવ વાગ્યા પછી ઘર બહાર નીકળી ન શકે, સિવાય કે એને કામસર બહાર મોકલવામાં આવ્યો છે એવું દર્શાવતો કોઈની સહીવાળો પરવાનો એની પાસે હોય, અગર તો એ જાતે યોગ્ય ખુલાસો આપી શકે તેમ હોય. આ કાયદો માત્ર ત્યાંના આદિ- વાસીઆને અને હિંદીઓને લાગુ પડે છે. પોલીસ પોતાની વિવેકબુદ્ધિ વાપરે છે, તે મેમણનો પોશાક પહેર્યા હોય એવાને સામાન્ય રીતે હેરાન કરતી નથી; કેમ કે એ હિંદી વેપારીનો પોશાક ગણાય છે. શ્રી અબુબકર નામે એક સજજન જે હમણાં હયાત નથી તે નાતાલમાં સૌથી આગળ પડતા હિંદી વેપારી હતા. યુરોપીય સમાજમાં એમનું ભારે માન હતું. એક વાર તેમને