પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



દિ' ઊગ્યે દેવળ ચડું, જોઉ વાળાની વાટ,
કાળજમાં ઠાગા કરે, નાડ્યે વાલો નાગ.

અને વળી –

નીકળ બારો નાગ, રાફડ કાં રૂંધાઈ રિયો,
(માથે) મોરલીયુંના માર, (તોય) નીંભર કાં થિયો નાગડો.

એમ પતિને નાગની અને પોતાને વાદણની ઉપમા આપી, આખરે કમાડ ખેડવી અંદર ગઈ; ત્યાં નાગને મરેલો દેખી,

અગર ચંદણના રૂખડા, ચોકમાં ખડકું ચ્હે,
હું કારણ નાગડો મુવો, બળશું અમે બે.

એ રીતે પોતાને કારણે પ્રાણ કાઢનાર પ્રેમીની સાથે એ આયરની દીકરી બળી મરી, તે પણ આ ગામને ટીંબે જ બન્યું છે, ભાઈ!

"પણ,” મેં પૂછ્યું, “આવું જ એક સ્થળ મને પાંચાળમાં રેશમિયા ગામને પાદર બતાવવામાં આવે છે ને?”

“ઇ ખોટું. આ જ સાચું.”

વહાલાં ગયાં વિદેશ

ઐતિહાસિક મહત્તાનું મમત્વ કોને નથી હોતું? કાઠિયાવાડનાં નાનાં-મોટાં તમામ ભોંયરાં ગીરનારમાં જ નીકળે! જૂની તમામ ગુફાઓ પાંડવોની જ બાંધેલી! જૂનાં તમામ ખંડિયેરો કનકાવતી નગરીનાં! જૂની તમામ મોટી મૂર્તિઓ તો ધૂંધળીમલની ને કાં ભીમની! – એવી જાતના આ મમત્વ તરફ હું આનંદથી જોઈ રહ્યો. ગમે તેમ હો, પણ આ સ્થળ મને નાગ વાળા–નાગમદેનું1 ખરેખરું જ ઘટનાસ્થળ લાગ્યું. એવી પ્રેમકથાઓ મોટે ભાગે ગીરમાં જ બની હોવી જોઈએ. આમ માનીને હું એ સવિયાણા શહેરની જમીન પર જોઈ રહ્યો : કલ્પના વેગે ચડી: જાણે એ બવળી બજારને કોઈ હાટડે ઘીની તાંબડી લઈને આયર-કુમારી નાગમદે વેચવા આવી છે. વેપારીના ઠામમાં જાણે એના રૂપાળા હાથ ઘી ઠાલવી રહ્યા છે : ઓચિંતો ઘોડેસ્વાર નીકળે છે : નાગમદેની નજર ત્યાં મંડાય છે. આંહીં ઘીની ધાર નીચે ઢોળાય છે : ટિખળી વેપારી એનું ધ્યાન ખેંચે છે અને નાગદેના મ્હોંમાંથી વચન સરે છે કે

ઘોળ્યાં જાવ રે ઘી, આજુનાં ઉતારનાં,
ધન્ય વારો ધન્ય દિ', નેણે નીરખ્યો નાગને.

અને એવી પ્રીતિ લાગી ગયા પછી, એક દિવસ ઓચિંતાં શ્રીધારનાં નેસડાં ઊપડી જાય છે, નાગ વાળો ત્યાં જાય ત્યાં તો –

___________________________________________

1 ‘નાગ-નાગમદે' એ દુહાબદ્ધ કથા ('સોરઠી ગીતકથાઓ')

14
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ