પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આજના યુગનો લોહીચૂસક જીવન-કલહ શું આવા શાંતિમય, મધુમય ગોપજીવનને અવકાશ આપતો હશે? કે શું આ તો સાહિત્ય-વિલાસીની કલ્પના કેવળ વિલાસ જ ખેલી રહી હશે? એ પ્રશ્ન જીભ ઉપર આવીને ઊભો રહે છે અને અધરાતને ટકોરે રાજુલા ગામના સ્ટેશન પર પહોંચી, સૂસવતા પવનમાં શરીર પર ધાબળો લપેટી, મને એ યાત્રા કરાવનાર મિત્રને રામ રામ કરી એના છેલ્લા શબ્દો સાંભળું છું કે “ભાઈ ! મોટી ગીર તો હજુ બાકી છે ! હજુ તો મોટા સાવજને એક સોટીથી તગડી મૂકનારી ચૌદ વર્ષની ચારણ-પુત્રીઓ આપણે જોવી છે. જ્યાં ઘોડાં પણ ન ચાલી શકે એવી અટવીમાં આથડવું બાકી છે. તૈયાર થઈ રહેજો !"

હજુ બાકી છે ! જીવનયાત્રામાં હજુ તો ઘણો પંથ બાકી છે. હજુ તો કેવળ પ્રવેશદ્વાર જ દેખાયું છે. હજુ ઘણું બાકી છે !

એ વિચારે મને ધીરે ધીરે સુવાડી દીધો.

સૌરાષ્ટ્રના ખંડેરોમાં
47