પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ફાંસીને માંચડેથી

પણ ગુલમહંમદભાઈ પર હું હવે વધુ નહીં થંભું. ગીરની ગાઢતા વચ્ચે એકલો બેસીને નમાજ પઢતો આ ગંભીર આદમી ફાંસીને લાકડેથી જંગલને ઉપરીપદે કેવી રીતે કૂદ્યો તે એક જ વાત કહીને ખતમ કરું છું. એમણે જ કહેલી એ વાત છે :

સાહેબ, અમારી ટોળી પૈકી ફાંસીની સજા પામેલા તમામ જોડે હું બાર વરસનું બચ્ચૂં પણ જૂનાગઢની જેલમાં આખરી દિનની રાહ જોતો હતો. પણ કુરાને શરીફ તો અમારા ખાનદાનનો પ્રિય ગ્રંથ, એટલે હું પણ બચપણથી જ ધર્મના પાઠો શીખ્યો હતો. જેલમાં મારા મોતની વાટ જોતો હું કુરાન પઢતો હતો, ને મોતની સજાવાળા બીજા સાથીઓને સંભળાવતો હતો. દરમિયાન નવાબ સાહેબ જેલની મુલાકાતે આવ્યા. એમણે મને જોયો. મારે વિશે પૂછપરછ કરી. બોલી ઊઠ્યા: આવા ધર્મપ્રેમી બાળકને ફાંસી હોય? મને માફી આપી. મને નવાબ સાહેબે પોતાની પાસે લીધો. મને કામગીરી આપી. હું જુવાન બન્યો ત્યારે મારી શાદી પણ નવાબ સાહેબે કરાવી આપી. રફ્તે રફ્તે મને જંગલ ખાતાની નોકરીમાં આ પાયરીએ ચડાવ્યો. આજે મારે ઘેર જુવાન બેટાઓ છે. મારા કુટુંબનો લીલો બગીચો છે. મારો અવતાર સુધરી ગયો. હું તો શુકર ગુજારું છું એ નવાબ સાહેબના.

વાંસાઢોળના ખોળામાં

સાસણના પાદરમાં પડેલી ઊંડી હીરણ નદી, હીરણને સામે પાર બે-ત્રણ ગાઉ પર ઊભેલો વાંસાઢોળ ડુંગર, ને તેની યે પછવાડે ઊભેલી અજાણી ગીર-ભોમ, એ બધાં મારી કલ્પનામાં સજીવન હતાં. વાંસાઢોળ ડુંગર ઉપર મારી કલ્પના એક શબને નિહાળી રહી હતી. એ શબને મેં પિછાની લીધું. એ હતું વાઘેર બહારવટિયા જોધા માણેકનું શબ. જોધાર જોધાની કાયા વાંસાઢોળ પર પડી હતી. એવા શબને છેલ્લે શયન કરવાને માટે વાંસાઢોળનું પહાડી સ્થાન જ ઉચિત હતું. વાઘેર કુળમાં સહુથી શાણો, સહુથી ગંભીર, ને નિર્ભયતાની મૂર્તિ જોધો જીવનમાં જીવતો પહાડ હતો. મૃત્યુએ પહાડને પહાડના ખોળામાં પોઢાડ્યો. શ્રી આનંદશંકરભાઈ ધ્રુવ કહેતા હતા કે એમના પિતાએ જોધાને જોયેલો. પિતાજી કાઠિયાવાડમાં કોઈક સાહેબના મંત્રી (શિરસ્તેદાર) હતા, ને હું માનું છું કે કદાચ એ બાર્ટન સાહેબ જ હોવા જોઈએ, જેમણે પોતાની મડમના આગ્રહથી બહારવટિયા જોધાને દ્વારિકાની સીમમાં મુલાકાતે તેડાવેલો. પિતાને ખોળે બેસીને બાલ આનંદશંકરે જોધાનાં બંકડા રૂપ જાણ્યાં-સાંભળ્યા હશે. કેવાં એ રૂપ ! એ રૂપ તો જોધો જ્યારે બહારવટે નીકળ્યો ત્યારે જ ખરેખર પ્રકાશ્યાં. એ રૂપ તો કોઈ ગાયકના રાવણહથ્થાની કામઠી પર રચાયું :

મન મૌલાસેં મિલાયો
જોધો રે માણેક રૂપ મેં આયો.

સૌરાષ્ટ્રના ખંડેરોમાં
51