પરંતુ રાક્ષસના શબ્દને ફેરવવો અને પૃથ્વીની ગતિને બીજી દિશામાં વાળવાનો પ્રયત્ન કરવો, એ બન્ને કાર્યો સમાન હતાં – અર્થાત્ પૃથ્વીની ગતિ ફેરવવી, એ જેમ સર્વથા અશક્ય છે, તેવી જ રીતે ચાણક્યનો શબ્દ ફેરવવો, એ પણ સર્વથા અશક્ય હતું. પરંતુ ચાણક્યનો તો સર્વદા એ સિદ્ધાન્ત જ હતો કે, અશક્ય જેવું આ સૃષ્ટિમાં કાંઈ છે જ નહિ. કિંબહુના, જે કાર્યો એવાં અશક્ય જેવાં જણાતાં હોય, તેમને શક્ય કરી દેખાડવાં, એનું નામ જ નીતિનૈપુણ્ય. એવા પ્રકારની ધારણાથી તેણે પોતાના મનમાં એ કાર્ય કરવા માટેની કોઈક રચના કરી રાખી હતી. બીજા કોઈપણ ઉપાયે રાક્ષસને નમાવી શકાશે નહિ, એ ચાણક્ય સારી રીતે જાણતો હોવાથી જ તેણે, રાક્ષસપર પોતે પર્વતેશ્વર સાથે મળી જઈને નન્દકુળનો નાશ કરાવ્યો એવો અપરાધ મૂક્યો અને તેમાંથી છૂટવાનો કોઈ પણ માર્ગ નથી, એવો તેને ભાસ કરાવ્યો. એ જો કે એક સાધન હતું ખરું, પણ બહુ જ નિર્બળ સાધન હતું. એ સાધનથી કાર્ય પૂરેપૂરું પાર પડવાનું નથી જ, એ પણ ચાણક્યની જાણ બહાર હતું નહિ. અર્થાત્ રાક્ષસનું મન જિતવામાટે કોઈ બીજાં જ સાધનો સાધવાની આવશ્યકતા હતી. અને ચાણક્ય એ સાધનને સાધવાના પ્રયત્નમાં જ હતો. એણે જ રાક્ષસને ન્યાયાસને બેસાડીને તેનાપર આવનારા સંકટનું તેને પ્રત્યક્ષ દર્શન કરાવવાનું કાર્ય - ચન્દ્રગુપ્ત - દ્વારા કરાવ્યું હતું. તે વેળાએ ચન્દ્રગુપ્ત અને રાક્ષસનું જે પરસ્પર ભાષણ થયું, તે આ પ્રમાણે હતું; ચન્દ્રગુપ્તને ચાણક્યે કેટલાક પ્રશ્નો સૂચવેલા હતા અને તેના ઉત્તરો ચાણક્યને શીઘ્ર જ જોઈતા હતા. ચાણક્યનો હેતુ જાળવીને ચન્દ્રગુપ્તે રાક્ષસને કહ્યું કે;–
“અમાત્ય રાક્ષસ! પર્વતેશ્વર શું બડબડ કરે છે, તે તો આપ સાંભળો છો જ અને અમે પણ સાંભળીએ છીએ. પરંતુ આપના જેવા સ્વામિનિષ્ઠ અને નન્દના પક્ષપાતી પુરુષશ્રેષ્ઠના સંબંધમાં એનું જે બોલવું છે, તે ખરું હશે કે નહિ; એ વિશે અમારા મનમાં શંકા જ છે. માટે એ જે આડું અવળું બોલે તેનો કાંઈપણ વિષાદ માનીને અમે એ બધું ખરું સમજતા હોઈશું, એવી આપે શંકા કરવી નહિ. પર્વતેશ્વર તો સદા સર્વદા પાટલિપુત્રને સ્વાહા કરવા માટે જ તૈયાર છે. આજનું એનું કૃત્ય કાંઈ નવું નથી, માટે આપ પોતે જ જઈને એને મળ્યા હશો, એ વાત જાગૃત અવસ્થામાં તો શું, પણ સ્વપ્નમાં પણ અમને સત્ય ભાસે તેમ નથી. ત્યારે ખરો પ્રપંચી કોણ છે અને આપની મુદ્રાવાળાં પત્રો બનાવટી કોણે બનાવ્યાં, એનો આપે અવશ્ય શોધ કરવો જ જોઈએ. નહિ તો ભવિષ્યની ઘણી જ ભીતિ રહે છે.”