પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

ચાણક્યને બે કારણોને લીધે યોગ્ય ભાસતું નહોતું. એક તો રાક્ષસ જેવો મગધદેશથી બહાર નીકળ્યો તે તત્કાળ ચન્દ્રગુપ્તનો દોષ કરવા માંડશે અને કોઈ પણ રાજાને તેની વિરુદ્ધ જગાવીને મગધપર ચઢાઈ કરાવવાનો અવશ્ય પ્રયત્ન કરશે. કારણ કે, નન્દના વંશમાં તેની દૃઢ ભક્તિ છે, અને તે નન્દવંશનો સર્વથા નાશ થએલો છે, માટે તે નન્દવંશના સંહારકોનો દોષ કરીને તેમનો નાશ કરવો, એ જ પોતાની ઈતિકર્તવ્યતા છે, એમ તે સમજવાનો. તેમ જ એ કાર્ય પૂર્ણ કરવામાં જ તે પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવાનો. એ કારણોથી રાક્ષસનો દેશનિકાલ કરવામાં કશો પણ લાભ હતો નહિ. વિરુદ્ધ પક્ષે કાંઈક હાનિનો જ સંભવ હતો. રાક્ષસને શિક્ષા ન કરતાં પોતાના પક્ષનો કરી લેવાનું બીજું કારણ એ હતું કે, ચન્દ્રગુપ્તને એના જેવા સચિવની એ વેળાએ ઘણી જ આવશ્યકતા હતી. ભાગુરાયણ સચિવ પદવીને યોગ્ય મનુષ્ય નહોતો - તે સારો શૂરવીર નર હતો - દીર્ધ વિચારવાન અમાત્ય નહોતો. પોતે સચિવપદે રહીને ચન્દ્રગુપ્તને સહાયતા કરવાની ચાણક્યની ઇચ્છા હતી નહિ. તેના મનમાં તો હવે પુનઃ પોતાના આશ્રમમાં જઇને તપશ્ચર્યા કરવાની જ લાલસા હતી; પરંતુ જેવી રીતે ચન્દ્રગુપ્તને પ્રથમથી આશ્રય આપેલો છે, તેવી જ રીતે તેના રાજ્યશકટને સુયંત્રિત ચાલુ કરીને તેના હાથે ગ્રીક યવનોનો પરાજય કરાવવા માટેની એક જ આશા અદ્યાપિ તેના મનમાં બાકી હતી. રાક્ષસ જો એક વાર ચન્દ્રગુપ્તને નન્દનું રૂપ માનીને તેની પ્રમાણિકપણે સેવા કરવાનું કબૂલ કરે અને પ્રતિજ્ઞા લે, તો સર્વ કાર્ય સિદ્ધ થઈ જ ચૂક્યાં, એવી ચાણક્યની ધારણા હતી. નન્દનો કોઈ શત્રુ જ સૃષ્ટિમાં રહ્યો નથી, એવા ભ્રમથી એ જેવી રીતે નિશ્ચિત અને બેપરવા રહ્યો હતો અને તેથી જ એને ઠગીને આ બધાં કારસ્થાનો પાર પાડી શકાયાં, એવી ગફલતી હવે એનાથી થવાની નથી, કારણ કે, પોતાની અસાવધતાનું એને અત્યારે જોઇએ તેવું શિક્ષણ મળી ચૂક્યું છે. અર્થાત ચન્દ્રગુપ્તના રાજ્યમાં રાક્ષસ જેવો સચિવ જ હોવો જોઇએ. એ જો ચન્દ્રગુપ્તને નન્દવંશનો અંકુર અને મગધદેશનો રાજા માનીને હું એનો સચિવ છું, એ વાક્યનો પોતાના મુખથી એકવાર ઉચ્ચાર કરે, તો પછી સર્વ ચિંતાનો નાશ જ થએલો સમજવાનો છે. એકવાર એ વાક્ય તેના મુખમાંથી ઉચ્ચરાવી શકાય, તો જ કાર્ય નિર્વિઘ્નને સિદ્ધ થાય. એમ થાય તો પછી ચન્દ્રગુપ્તના રાજ્યશકટના ચાલવામાં કશું પણ વિઘ્ન રહે નહિ, એવા ચાણક્યના વિચારો હતા. પરંતુ રાક્ષસને ચન્દ્રગુપ્તના પક્ષમાં લાવવો, એ કાર્ય ઘણું જ કઠિન હતું. અત્યાર સુધી જે કાંઈ પણ થયું હતું, તે તો બધું બહુ જ સરળ હતું.