પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૩
પ્રતિજ્ઞાનો ભંગ કે મિત્રનો વધ !

તેમ કરવામાં કશો પણ વાંધો નથી. આજ્ઞા વિના અમારાથી કશું પણ કરી શકાય તેમ નથી.”

“ચન્દ્રગુપ્ત ક્યાં છે? મને કહો એટલે હું જઈને તેને વિનતિ કરું ને આને છોડી મૂકવાની આજ્ઞા લઈ આવું, પછી તો આપને વાંધો નહિ રહેને?” રાક્ષસે પૂછ્યું.

“અમાત્યરાજ ! પછી અમારે શો વાંધો હોય?” ચાંડાલે કહ્યું.

“અરે હું અમાત્યરાજ શાનો? મારા અંધત્વથી હવે તો હું તમારા કરતાં પણ વધારે નીચતાને પાત્ર થએલો છું. કૈલાસનાથ ! આ મારા પર કેવું સંકટ!” રાક્ષસે ઉદ્દગાર કાઢ્યો.

હવે પછી શું કરવું, એનો ઉપાય રાક્ષસને સૂઝ્યો નહિ. તેને જાણે તે પોતે ચારે તરફથી ઘેરાઈ ગયો હોયને, એમ ભાસ્યું, “મિત્રને બચાવવા માટે જે કાંઈ પણ કરવું હોય, તે અત્યારે જ કરવું જોઈએ. અર્થાત્ ચન્દ્રગુપ્ત પાસે જઈને “હું તમારી સામો ઊભો છું, માટે મને જે શિક્ષા કરવાની હોય તે કરો, એમ કહેવું ને ચન્દનદાસને છોડી દેવા માટે વિનતિ કરવી. એના વિના હવે બીજો ઉપાય નથી જ.” એ તેને સ્પષ્ટતાથી ભાસ્યું, તેથી તે પુનઃ ચાંડાલોને કહેવા લાગ્યો કે, “ભલા ભાઈઓ ! હું અને આ શકટદાસ બને ચન્દ્રગુપ્ત પાસે જઈને પાછા આવીએ, ત્યાં સુધી આના પ્રાણનો નાશ કરશો નહિ. હું એક બે ઘટિકામાં જ ચન્દ્રનદાસની મુક્તિ માટેની આજ્ઞા૫ત્રિકા લઈને આવી પહોંચીશ.” એમ કહીને તેણે શકટદાસને સંબોધીને કહ્યું કે, “ચાલો - આ૫ને વચન આપ્યા પ્રમાણે આપણા આ મિત્ર અને તેની પત્નીના પ્રાણ બચાવાવા માટે આપણે ચન્દ્રગુપ્ત પાસે જઈએ.”

“અમાત્યરાજ ! “ચન્દ્રગુપ્ત મહારાજ પાસે જઈએ ” એમ કેમ નથી બોલતા? તેમને મહારાજ કહ્યા વિના તે આપણી વિનતિને માન આપશે કે ? શકટદાસે કહ્યું.

શકટદાસના એ શબ્દો સાંભળતાં જ રાક્ષસ ખિન્ન થઈ ગયો અને લાલ ચોળ નેત્રો કરીને તેને કહેવા લાગ્યો કે, “શું ? ચન્દ્રગુપ્તને – એ રાજધાતક નર૫શુને હું મારા મુખથી મહારાજની પદવી આપું? તું શું બેાલે છે ?”

“હું શું બોલું છું કે આપ શું બોલે છો? ચન્દ્રગુપ્ત સિંહાસનારૂઢ થઈ ચૂક્યા છે, તેથી જો કે આપના મનમાં ખેદ તો થતો જ હશે; પણ તે બોલી બતાવવાથી શો લાભ થવાનો છે? આપને એટલો પણ વિચાર નથી થતો કે, એમ બોલવાથી આપણું કાર્ય બનશે કે બગડશે?” શકટદાસે કહ્યું.