પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


“બગડે કે સુધરે તેની મને દરકાર નથી. હું તો મારા મુખથી એ નીચને કોઈ કાળે મહારાજ કહેવાનો નથી.” રાક્ષસે પોતાના મનની દૃઢતા દેખાડી.

“એટલે કે ચન્દનદાસને અવશ્ય શૂળીએ ચડાવી દેવાના છો, એમ જ કહોને?” શકટદાસે જરાક ઉપાલંભ આપીને કહ્યું.

“એટલે? એમ સમજવાનું કાંઈ કારણ ? શું હું પોતે તેના સમક્ષ જઈને ઉભો રહીશ, અને તે ચન્દનદાસને શૂળિએ ચઢાવી શકશે કે? ત્યારે તો અહીં હવે પછી એવા જ ન્યાયો અપાશે કેમ ? ” રાક્ષસ એ શબ્દો ઉચ્ચારતી વેળાએ ઘણો જ સંતપ્ત દેખાયો.

એટલે શકટદાસ તેને ધીમેથી કહેવા લાગ્યો કે, “અમાત્યરાજ ! આપનો આ સંતાપ વ્યર્થ છે. આવા સંતાપના આવેશમાં આપ ચન્દ્રગુપ્ત મહારાજ પાસે જશો, તો કદાચિત્ વધારે હાનિનો જ સંભવ થવાનો. એના કરતાં તો ચન્દનદાસનું જે થવાનું હોય તે થવા દો અને મને પણ મારા મિત્ર પાછળ મરવા દ્યો. - પછી તમે જાણો ને ચન્દ્રગુપ્ત જાણે.”

ચન્દનદાસના વધની વાર્તા આવી કે, રાક્ષસનો બધો સંતાપ શમાઈ જતો હતો, “તે મારા માટે મરે છે અને મહા ઔત્સુકયથી મરણને કબૂલ કરે છે.” એ વાતનું સ્મરણ થતાં જ તેનું અંતઃકરણ પીગળી જતું હતું. માટે અંતે ગમેતેમ થાય, પણ ચન્દ્રગુપ્તને વિનતિ તો કરવી જ, એવો નિશ્ચય કરીને જેવો તે ચાલવા જતો હતો, તેવો જ “ચન્દ્રગુપ્ત મહારાજનો જય જયકાર હો!” એવો પ્રતિહારીએાનો ધ્વનિ તેના સાંભળવામાં આવ્યો. ચન્દ્રગુપ્તને જોતાં જ રાક્ષસના કપાળમાં કરચલિઓ ચઢવા માંડી અને તેણે પોતાનું મોઢું ફેરવી નાંખ્યું. ચન્દ્રગુપ્તે જાણે પોતે કાંઈપણ જોયું જ ન હોયને, તેવી રીતે તે ચાંડાલને આજ્ઞા આપતાં કહ્યું કે, “કેમ અદ્યાપિ આ રાજઘાતકને તમે શૂળિએ નથી ચઢાવ્યો ? આ અપરાધમાટે તમને હવે શું કહેવું ? ચાલો મારા દેખતાં જ એનું કામ તમામ કરી નાંખો. આવા ભયંકર અપરાધીને આવી ભયંકર શિક્ષા જ થવી જોઈએ, ” ચન્દ્રગુપ્તની એ આજ્ઞા સાંભળતાં જ ચાંડાલોનો પ્રમુખ બેાલ્યો કે, “મહારાજ ! અમે અમારું કર્તવ્ય બજાવવાના વિચારમાં જ હતા, એટલામાં આ અમાત્યરાજ અહીં પધાર્યા અને તેમણે ચન્દનદાસને છોડી દેવામાટે મહારાજનું આજ્ઞાપત્ર લઈ આવું છું, માટે ત્યાંસુધી એનો વધ કરશો નહિ.” એવી અમને આજ્ઞા કરી, તેથી જ આ વિલંબ થવા પામ્યો છે.”

“કોણે? અમાત્ય રાક્ષસે? ઠીક સારું, તે અહીં જ છે કે શું?” ચન્દ્રગુપ્તે કહ્યું.