પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૫
પ્રતિજ્ઞાનો ભંગ કે મિત્રનો વધ !

"હા-ચન્દ્રગુપ્ત ! હું અહીં જ છું.” રાક્ષસ તેના સમક્ષ આવીને બોલ્યો “મારી પત્ની અને મારાં બાળકોને કારાગૃહમાં નાંખવાની તારી ઇચ્છા હોય, તો હું તેમને તારે સ્વાધીન કરું છું, અને હું પોતે પણ તારે સ્વાધીન થાઉં છું, એથી વધારે તારી શી ઇચ્છા છે ?”

“અમાત્યરાજ ! રાજશત્રુને અનુકૂલ થઈને રાજઘાતમાં અગ્રભાગે રહી સહાયતા કરનારને છોડી દેવાની સલાહ આપો છો કે? આ વ્યાપાર કરનારો વણિક અનેક વેળા પોતાના વ્યાપાર માટે મ્લેચ્છોને ત્યાં જાય આવે છે. અર્થાત્ એ પર્વતેશ્વર સાથે મળી ગયો અને તેથી જ એણે તેની સહાયતા કરવા માટે પોતાના ઘરમાંથી ભોંયરું ખોદાવીને રાજગૃહના દ્વાર પાસે ખાડો તૈયાર કરાવ્યો હતો. એટલું બધું કારસ્થાન કરવા છતાં પણ એ તો વળી એમ કહે છે કે, “આ બધું મેં અમાત્ય રાક્ષસના કહેવાથી જ કર્યું;” અર્થાત્ જેવી રીતે પર્વતેશ્વર આપનું નામ લે છે, તેવી જ રીતે આ પણ આપના નામનો જ ઉચ્ચાર કરે છે. એથી સ્પષ્ટ જણાય છે કે, એ પર્વતેશ્વરનો જ પઢાવેલો હોવો જોઈએ; એમાં રંચ માત્રપણ શંકા જેવું નથી. આપ એ કારસ્થાનમાં શામેલ હશો, એવી કલ્પના મારા મનમાં તો આવી નથી શકતી, એ તો હું પ્રથમથી જ આપને કહી ચૂક્યો છું. વસ્તુસ્થિતિ આવી છે, એટલે એને હવે જીવતો કેમ છોડી શકાય, તે આપ જ જણાવેા? વળી કદાચિત્ આપનાં સ્ત્રી અને બાળકોની પણ એણે હાનિ કરી હશે. તેઓ એના તાબામાં હતાં, એટલે આપ મ્લેચ્છોને અનુકૂલ હતા, એમ દેખાડવા માટે તેમને એણે મ્લેચ્છોના હાથમાં સોંપી દીધાં હશે, એવો અમારા મનમાં સંશય આવવાથી જ તેમને અમારે સ્વાધીન કર, એવી માગણી અમે કરીએ છીએ,” ચન્દ્રગુપ્તે બધો ખુલાસો કર્યો.

“ચન્દ્રગુપ્ત ચન્દનદાસથી આમાંનો એક પણ અપરાધ બની શકે તેમ નથી. એના માટે તું કહે તેવી જામીનગીરી આપવાને હું તૈયાર છું. જેવી રીતે મારી મુદ્રાવાળાં પત્ર મોકલીને કોઈએ પર્વતેશ્વરને ફસાવ્યો છે, તેવી જ રીતે આ બિચારા ચન્દનદાસને પણ ફસાવવામાં આવ્યો છે, એમાં જરા પણ શંકા નથી, માટે તારે એને છોડી દેવો, એવી મારી વિનતિ છે.” રાક્ષસે પોતાના મિત્રની વકીલાત કરીને કહ્યું.

“અમાત્યરાજ ! વિનતિ કરવાનું શું કારણ છે ? હું એને આપની આજ્ઞા જ સમજીશ. પણ...” ચન્દ્રગુપ્ત એટલું જ બોલીને અટકી ગયો. એટલે ભાગુરાયણ આગળ બોલવા લાગ્યો. “પણ આપે હવે પોતાના પક્ષાભિમાનને છોડી દેવો અને આ રાજ્યશકટને પૂર્વ પ્રમાણે ચલાવવું. એવી અમારી ઇચ્છા છે.”