પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
દરિદ્રી બ્રાહ્મણ.

ઘેર જન્મે અથવા તો ગોવાળિયાને ત્યાં પળાયો હોય, એ પણ વિલક્ષણ જ કહેવાય, એવી તેની ભાવના થઈ અને વળી પણ તેણે તે બાળકની હસ્તરેષા અને મુખમુદ્રાનું સામુદ્રિક દૃષ્ટિથી અવલોકન કર્યું. જેમ જેમ એ બાળકના શરીરનાં પ્રભાવદર્શક ચિન્હો વધારે ને વધારે તેના જોવામાં આવતાં ગયાં, તેમ તેમ તેની એવી દૃઢ ઈચ્છા થવા લાગી કે, “એ બાળકનાં માતપિતા પાસે જઈને એના જન્મ વિશેનો ખુલાસો મેળવવો જોઈએ અને તેમની પાસેથી આ બાળક માગી લેવું જોઈએ.” એવા ભાવથી તે બાળકને તેણે પૂછ્યું, “વત્સ, તું મારી સાથે આવીશ કે? જો તું મારી સાથે આવીશ, તો હું તને સર્વ પ્રકારની વિદ્યાઓ શીખવીશ. શસ્ત્રવિદ્યા, અસ્ત્રવિદ્યા અને ધનુર્વિઘાનો પણ મેં અભ્યાસ કરેલ છે - તે સમસ્ત વિદ્યાઓ હું તને શીખવીશ.” શસ્ત્ર, અસ્ત્ર અને ધનુષ્યનું નામ સાંભળતાં જ તે બાળકને ઘણો જ આનંદ થયો અને તેણે ઉત્તર આપ્યું કે, “મહારાજ! જો તમે મને એ વિદ્યાઓનું શિક્ષણ આપશો, તો હું તમારો દાસાનુદાસ થઈ રહીશ.”એ પ્રમાણે એ સંભાષણની સમાપ્તિ થતાં થોડી વાર પછી બાળકોએ પોતપોતાનાં ઢોરોને એકઠાં કર્યા અને સંધ્યાકાળ થઈ ગએલો હોવાથી ઘર તરફ ચાલવા માંડ્યું. એ તરુણ બાળકનો પિતા મહાન સજ્જન પુરુષ હતો અને પોતાના પુત્ર માટે તેના મનમાં ઘણું જ અભિમાન હતું. પોતાના પુત્રની વિલક્ષણ બુદ્ધિ નિહાળીને એ બ્રાહ્મણ ખાસ તેની તપાસ કરવાને આવેલો છે, એમ જાણીને તો તેને વળી અધિક જ આનન્દ થયો. તે બ્રાહ્મણને રાત્રે ત્યાં જ રહેવાની તેણે વિનતિ કરી. ગાયોને દોહી લીધા પછી તે બ્રાહ્મણને તેણે દુગ્ધ પ્રાશન માટે આગ્રહ કર્યો અને બ્રાહ્મણે પણ તેના એ આતિથ્યને સ્વીકારીને ત્યાં જ રાત્રિ વીતાડવાનો સંકલ્પ કર્યો - તે અતિથિ તરીકે રાત્રે ત્યાં જ રહ્યો.

દુગ્ધપ્રાશન ઇત્યાદિ થઈ રહ્યા પછી તે વૃદ્ધ ગોવાળિયાને પાસે બેસાડીને બ્રાહ્મણ મહા યુક્તિથી તેને કહેવા લાગ્યો, “હે વૃદ્ધ ગોપાલક, આ તારો પુત્ર વિલક્ષણ બુદ્ધિમાન્ અને તેજસ્વી છે. એના સંબંધમાં કાંઈક પૂછવાની મારી ઈચ્છા છે, તેનો જો તને કાંઈ કોપ ન હોય અને હરકત જેવું પણ ન હોય, તો હું કાંઈક પૂછું ?” એ પોતાને જે પૂછવાનો છે, તે જાણે સમજી જ ગયો હોયની, તેવા ભાવથી તે વૃદ્ધ ગોવાળિયો હસ્યો અને બોલ્યો, “મહારાજ ! તમે બ્રાહ્મણ છો અને તમે કોઈ એક સવાલ કરો, તેમાં ગુસ્સો શાનો હોય? તમારે જે કાંઈ પણ પૂછવાનું હોય, તે નિઃશંક થઈને પૂછો. હું પણ તમને જેવો હશે તેવો જ ખરેખરો જવાબ આપીશ.”

એ ઉત્તરથી બ્રાહ્મણને ઘણો જ સંતોષ થયો અને તેણે પોતાના મનોભાવને વ્યકત કરવાનો આરંભ કર્યો, “તારા આશ્વાસનથી હું ઘણો જ સંતુષ્ટ