પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

થઈ નથી શકતી, તમારા વિશે લોકોનાં મનમાં જે ખરાબ વિચારો ઠસાઈ ગયા છે, તે ઘડીના છઠ્ઠા ભાગમાં નીકળી જશે - તેમના નીકળી જવામાં જરાપણ વિલંબ લાગશે નહિ. તમે એ તો જાણો જ છો કે, લોકોનાં મતો અને ગાડરિયો પ્રવાહ એ બન્નેનો સ્વભાવ એક સરખો જ છે. તમારા માટે કોઈના પણ મનમાં વૈષમ્ય નથી. મારો દ્વેષ નન્દ માટે હતો - મારા અપમાનનું પરિમાર્જન કરવા માટે મારે તેના વંશનો નાશ કરવાનો હતો અને તે મેં કર્યો છે. હવે મારે આ રાજ્ય સાથે કશો પણ સંબંધ નથી. તમે આજે એને સ્વીકાર કરવાનું વચન આપો, એટલે કાલે હું તપશ્ચર્યા માટે હિમાલયની કોઈ એક કંદરામાં ચાલ્યો જાઉં, એટલો જ વિલંબ રહ્યો છે. મારા મનમાં માત્ર એક જ બીજી ઇચ્છા છે, અને તે એ કે, તમારે આ યવનોને ગાંધારદેશથી પણ પેલી તરફ હાંકી કાઢવા. ચન્દ્રગુપ્ત ધીર અને શૂરવીર પુરુષ છે, એટલે તમારા જેવાની જો એને સહાયતા મળશે, તો એ કાર્ય ચપટી વગાડવા જેટલા સમયમાં જ સિદ્ધ થઈ જશે. તમે એમના અધિકારની છાયાતળે તક્ષશિલામાં કદાપિ રહેલા નથી, નહિ તો એએા ત્યાંના ગરીબ ગુરબા ઉપર કેટલો બધો જુલમ અને અત્યાચાર કરે છે, તે તમે કાંઈક જાણી શક્યા હોત.” ચાણક્યે પાછા પોતાના હેતુને સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો.

ચાણક્ય અંતે રાક્ષસ સાથે એવા સદ્ભાવથી અને હૃદયના સત્ય ઉત્સાહથી બોલવા લાગ્યો, કે તેથી રાક્ષસ ચન્દ્રગુપ્તના સચિવપદને સ્વીકારશે, એવાં સર્વ ચિન્હો તેની મુખમુદ્રામાં જણાયાં. પણ થોડીવાર રહીને રાક્ષસે ઉત્તર દીધું કે, “ચાણક્ય ! મારા સ્વામીનો અને તેના કુળનો જે ઘાત કરનાર હોય, તેની સાથે મારે એક શબ્દ પણ બોલવો જોઈએ નહિ. એ નિયમનો ભંગ કરી આટલા સમયથી હું તમારી સાથે વાચાળપણું કર્યા કરું છું, એ માટે મારા હૃદયમાં ઘણો જ પશ્ચાત્તાપ થાય છે. છતાં પણ તમે જ્યાં સૂધી યવનોના પ્રહારથી મગધદેશને બચાવવાનો યત્ન કરશો, ત્યાં સૂધી હું તમારા કોઈ પણ કાર્યમાં વિઘ્નકર્તા થઈશ નહિ; એ નિશ્ચયપૂર્વક માનવું. તમે મને સચિવ બનાવવા ઇચ્છો છો, તે માત્ર એટલા માટે જ ને? તો તેનું હું વચન આપું છું કે, યવનો સાથે મળીને હું તમને કશી પણ અડચણ કરવાનો નથી અને તમારો ભેદ તેમને જણાવવાનો નથી. ખરું પૂછો તો અત્યારે મારા હાથમાં છે પણ શું, કે હું એવો કોઈ પ્રયત્ન કરી શકું? એટલે મારું આ આશ્વાસન પણ નિરર્થક જેવું જ છે; છતાં પણ તમે જ્યારે મારી પૂઠે જ પડ્યા છો, ત્યારે આ વચન આપવું પડે છે. નહિ તો હવે મારો ભાર શો ?”