પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


મુરાદેવીનાં એ વચનો સાંભળીને વૃંદમાલા તો સ્તબ્ધ જ બની ગઈ. હવે શું બોલાવું એ તેને સૂઝ્યું નહિ. મુરાદેવીના શાપ, કોપ અને સંતાપને વ્યાપાર જેવો ને તેવો જ ચાલુ હતો. “મારા પુત્રને મારા શત્રુઓએ ઘાત કર્યો - તેમ જો થયું ન હોત, તો આજે તે સોળ સત્તર વર્ષનો થયો હોત અને મારાપર જે આરોપ કરાયો હતો, તે જો ન કરાત, તો આજે હું પટ્ટરાણી થવાને ભાગ્યશાલિની થઈ હોત – મારો જ પુત્ર યુવરાજ થયો હોત. એ સર્વ સુખની આશાઓ સ્વપ્નવત્ થઈ ગઈ અને આજે આ અસહ્ય દુ:ખદ દશામાં હું આવી પડી.” ઈત્યાદિ અનેક વિચારો તેના મનમાં આવતાં તેને અનુસરતા ઉદ્‍ગારો પણ તેના મુખમાંથી બહાર નીકળતા હતા. એવી સ્થિતિમાં કોઈ પણ તેના મનનું સમાધાન શું કરી શકે? તેને તેની ઈચ્છા અનુસાર શોક કરતી બેસી રહેવા દેવી, એ જ તેને માટે કદાચિત્ મહાન્ સમાધાન થઈ શકે એ શક્ય હતું. અંતે એ જ વિચાર કરીને વૃંદમાલા પોતાની સ્વામિની સમક્ષ સ્વસ્થ થઈને બેસી રહી.

શોક કરતી મુરાદેવી વૃંદમાલાને અનુલક્ષીને એકાએક બોલી ઊઠી, “વૃંદમાલે ! બનવાની હતી તે વાત બની ગઈ હું આજ દિવસ સુધી સ્વસ્થતા ધારીને બેસી રહી, એ મેં મહામૂર્ખતા કરી છે. પણ હવે પછી એવી રીતે હું સ્વસ્થ થઈને બેસવાની નથી. જેને આજે આટલા બધા સમારંભથી યુવરાજની પદવી આપવામાં આવે છે, તેને હું આ પાટલિપુત્રના રાજ્યનો ઉપભેાગ કદાપિ લેવા દેનાર નથી, એ મારો નિશ્ચય થઈ ચૂક્યો છે. જો હું ખરી રાજપુત્રી હોઈશ, તો હવે આકાશપાતાળને એક બનાવીને એના શિરે હજારો સંકટો આણીશ; અને અગત્ય પડશે તો એ રાજપુત્રનો ઘાત પણ કરીશ. હું જ મૂર્ખ કે અત્યાર સુધી મૌન ધારી બેસી રહી. હું રાજાની પ્રીતિ પાછી મેળવીશ - રાજાએ પ્રથમ જ્યારે મારી જોડે વિવાહ સંબંધ કર્યો, તે વેળાએ હું એક અજ્ઞાન અને મુગ્ધા નારી હતી. તે વેળાએ કૃત્રિમતા એટલે શું, એની મને જરા પણ જાણ હતી નહિ; પરંતુ હવે હું તેવી નથી. હવે તો હું નખથી શિખા પર્યન્ત કૃત્રિમતાની મૂર્તિ જ બની ગઈ છું, એમ તારે જાણી લેવું. આટલાં વર્ષ મેં સ્વસ્થતામાં ખેાયાં, એ માટે હવે મને પૂરો ૫શ્ચાત્તાપ થવા લાગ્યો છે. પરંતુ બન્યું તે બન્યું. કિરાત રાજાની કન્યા હું મુરા - જો પુનઃ આર્યપુત્રની કૃપા મેળવીને તેના ચિત્તની સ્વામિની ન થાઉં અને તે પણ એક ચાર મહિનાની અંદર જ - તો તને સાથે લઈને હિમાચલના અરણ્યમાં તારા શમક્ષ અગ્નિકાષ્ટનું ભક્ષણ કરીને મારા પ્રાણની આહુતિ આપીશ, એ વિશે તારે જરા પણ શંકા કરવી નહિ. પરંતુ એ પ્રસંગ આવવાનો નથી. હું મારી પ્રતિજ્ઞા પ્રમાણે અક્ષરે