પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


જોઈને મારા મનમાં અવર્ણનીય આનંદનો ભાસ થાય છે.” એમ કહીને તેણે તેમને જવાની રજા આપી અને તે બને ત્યાંથી ચાલતા થયા.




પ્રકરણ ૬ ઠ્ઠું.
પ્રારમ્ભ.

બુદ્ધભિક્ષુ વસુભૂતિના પત્રને વાંચવા માટે વૃન્દમાલા અતિશય ઉત્સુક હતી. મુરાદેવીના મનમાંનો પ્રમાદ દૂર થાય, અને તે અંત:પુરમાં સુખ સમાધાનથી રહે, એવી વૃન્દમાલાની અંતઃકરણપૂર્વક ઇચ્છા હતી; કારણ કે, મુરાદેવીમાં વૃન્દમાલા ઘણો જ સારો ભક્તિ ભાવ રાખતી હતી. ધનાનન્દ રાજાએ તેને ઘણો જ અન્યાય આપ્યો હતો અને તેના બાળકનો વિના કારણ ઘાત કરાવ્યો હતો, એ ઘટનાના સ્મરણથી વૃન્દમાલાના હૃદયમાં પણ ખેદ તો થતો જ હતો; પરંતુ જે વાર્તા પંદર સોળ વર્ષ પહેલાં બની ગઈ તેને પાછી તાજી કરીને વિના કારણ પોતાના જીવને દુઃખી કરવો, એ તેને સારું લાગ્યું નહિ. તેમ જ ગૃહમાં કલહ ઉપજાવવો, એ પણ તેને ગમતું નહોતું. કદાચિત મુરાદેવીનો પુત્ર જીવતો હોત, અને તેને રાજ્ય પ્રાપ્ત થવાનો સંભવ હોત, તો તો તેણે પોતાની સ્વામિનીને સહાયતા પણ આપી હોત; પરંતુ તેવું કાંઈ હવે હતું નહિ. મુરાદેવી, પોતાના પુત્રનો વધ થયો અને પોતાનું અપમાન થયું, એનું વૈર લેવા માટે જ દ્વેષભાવથી રાજકુળના વિધ્વંસની પ્રતિજ્ઞા લઈ બેઠી છે, એ બનાવ વૃન્દમાલાને મહાન અનર્થકારક ભાસવા લાગ્યો. એમાં વળી નંદકુળનો નાશ કરીને પોતાના પિતૃકુળમાંના કોઈને પાટલિપુત્રના સિંહાસને બેસાડવાની મુરાદેવીની નિષ્ઠા તો તેને અત્યંત અનિષ્ટ લાગી. મુરાદેવીના હસ્તે એ વ્યૂહની રચના થતાં તેને તેમાં સિદ્ધિ મળશે, એવી તો વૃન્દમાલાને આશા માત્ર પણ હતી નહિ. કારણ કે, મુરાદેવીની શક્તિ તો શી ? પરંતુ પોતાના મનોવિકારોને અનુસરીને એવો કોઈ પ્રયત્ન કરે અને તેની રાજાને ખબર પડે, તો ક્યાંક મુરાદેવી પોતે જ ભયમાં આવી ન પડે, એવી જ વૃન્દમાલાને શંકા થયા કરતી હતી. આટલા વર્ષ તો તે કારાગૃહમાં હતી, અને હવે અચિન્ત્ય તેને કારાગૃહમાંથી મુક્તિ મળતાં આવું કાંઈ પણ આડું અવળું વેતરીને પાછી તે કારાગૃહવાસિની થાય કે એથી પણ કોઈ વિશેષ ભયંકર શિક્ષાને પાત્ર થાય, એ કૃતજ્ઞ દાસી વૃન્દમાલાને ગમતું નહોતું. વૃન્દમાલાની પોતાની સ્વામિનીમાં ઘણી જ પ્રીતિ હતી, અને તેથી જ તેના શિરે કોઈ પણ સંકટ ન આવે, એમ તે કાયા વાચા