પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

દેવીની પરિચારિકા છું અને દેવીનું પત્ર મહારાજાને આપવામાટે આવેલી છું.” વેત્રવતી અને કંચુકી ઇત્યાદિને એટલું જ કહેવાનું, એનો હેતુ એ જ કે, દેવી એ મોઘમ શબ્દથી રાજાના મનમાં “મુરાદેવી” નું સ્મરણ ન થતાં સુમાલ્યની માતાનો જ ભાસ થશે અને તે ઉત્સુકતાથી પત્ર ઊધાડીને વાંચશે. એકવાર પત્ર ઉઘાડ્યું અને રાજાએ લક્ષપૂર્વક તેમાંનો લેખ વાંચ્યો, એટલે પછી મારા ભાગ્યમાં જે લખ્યું હશે તે થશે.” એવી રીતે વૃંદમાલાને સારી રીતે પાઠ પઢાવીને તેણે રાજાસમક્ષ જવાને રવાની કરી હતી. પોતે કાંઈ આડું અવળું લખ્યું છે, એવો જો વૃન્દમાલાના મનમાં સંશય આવશે, તો પત્રને તે માર્ગમાં જ ક્યાંક નાંખી દેશે, એવી શંકા આવવાથી વૃન્દમાલાને તે પત્ર મુરાદેવીએ પ્રથમથી જ વાંચી સંભળાવ્યું હતું અને તેને શાંત રાખવાના હેતુથી “મારા કોપ માટે મને ઘણો જ પશ્ચાત્તાપ થાય છે અને તેથી મહારાજાની ક્ષમા મેળવવા માટે જ હું આ બધા પ્રયત્ન કરું છું. વૈર લેવાના અને બીજા એવા અશુભ વિચારોનો મારા હૃદયમાંથી સર્વથા નાશ થએલો છે.” એવી અસત્ય વાક્ય પરંપરા પણ ઘણી જ ગંભીરતાથી કહી સંભળાવી હતી.

વૃન્દમાલાના મનમાં જેમ એ પત્રથી કાંઈ પણ લાભ થશે, એવો ભાસ પણ થયો નહિ, તેમ જ એમાં કાંઈપણ કપટનાટકની રચના છે, એવો પણ ભાસ થયો નહિ. “લાગે તો તીર નહિ તો તુક્કો.” એ કહેવતને અનુસરીને તેણે તે પત્ર ચાતુર્યથી મહારાજાના હાથમાં પહોંચાડ્યું, એ તો આપણે જાણી આવ્યા છીએ. એનું જે પરિણામ થયું, તે પણ વાચકો જાણી ચૂક્યા છે. વૃન્દમાલાએ રાજમહાલયમાં પોતાના નામનો નિર્દેશ કર્યો નહોતો; માત્ર પોતાને દેવીની પરિચારિકા તરીકે જ ઓળખાવીને પોતાનું કાર્ય સાધી લીધું હતું. પત્રવાચનથી મહારાજાની મનોવૃત્તિ આમ એકાએક બદલાઈ જશે અને તે તત્કાળ મુરાદેવીના નિવાસસ્થાનમાં આવશે, એવી વૃન્દમાલાને સ્વપ્ને પણ કલ્પના હતી નહિ, અર્થાત્ આપણે જે વસ્તુને અશક્ય માનતા હોઈએ, તે જ પ્રત્યક્ષ બને ત્યારે આપણને કેટલું બધું આશ્ચર્ય લાગે છે? એવી જ સ્થિતિ બિચારી વૃન્દમાલાની થએલી હતી. રાજા ધનાનન્દ મુરાદેવીના આમંત્રણ પ્રમાણે આવ્યા; એટલું જ નહિ પણ તેણે તો રાત્રે ત્યાં જ ભેાજન કરવાનું અને કેટલાક દિવસ સૂધી ત્યાં જ રહેવાનું સર્વત્ર કહેવડાવી દીધું. એ આજ્ઞા સાંભળતાં જ અંતઃપુરમાં સર્વત્ર આશ્ચર્ય, ખેદ અને ઈર્ષા એ ત્રણ પ્રબળ વિકારોનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું. સુમાલ્ય ઉપરાંત રાજાના બીજા સાત પુત્રો હતા અને તે જૂદી જૂદી સ્ત્રીઓથી જન્મેલા હતા. અર્થાત્ એ સર્વ પુત્રોની