પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે. તેને વટી જનાર તો બહુ વિચારી થોડા જ હોઈ શકે. પણ જ્યારે મનુષ્યને ભાન થાય છે કે, તેના શરીરનો તે સંરક્ષક છે અને શરીર સેવાર્પણ થયું છે ત્યારે શરીરસુખાકારીના નિયમો જાણવાની તેને ઈચ્છા થાય છે, ને તે નિયમોનું પાલન કરવાનો તે મહાપ્રયાસ કરે છે.

૯-૯-'૪૨

ઉપરની દ્રષ્ટિએ બુદ્ધિજીવી મનુષ્યોનો રોજનો ખોરાક નીચે પ્રમાણે યોગ્ય ગણાય:

૧. બે રતલ ગાયનું દૂધ
૨. છ ઔંસ એટલે પંદર તોલા અનાજ (ચોખા, ઘઉં, બાજરી ઈ. મળીને)
૩. શાકમાં પાંદડા (પત્તી-ભાજી) ત્રણ સૌંસ અને પાંચ ઔંસ બીજાં શાક.
૪. એક ઔંસ કાચું શાક.
૫. ત્રણ તોલા ઘી કે ચાર તોલા માખણ.
૬. ત્રણ તોલા ગોળ કે સાકર.
૭. તાજા ફળ જે મળે તે રુચિ અને શક્તિ પ્રમાણે. રોજ બે ખાટાં લીંબુ હોય તો સારું.

આ બધાં વજન કાચા એટલે કે વગર રાંધેલા પદાર્થના છે. નિમકનું પ્રમાણ નથી આપ્યું. રુચિ ઉપરથી લેવું જોઈએ. ખાટાં લીંબુનો રસ શાકમાં ભેળવાય અથવા પાણી સાથે પિવાય.

આપણે દિવસમાં કેટલી વાર ખાવું જોઈએ? ઘણા તો માત્ર બે જ વખત ખાય છે. સામાન્ય રીતે ત્રણ વાર ખવાય છે. સવારે કામે ચડતાં પહેલાં, બપોરે, ને સાંજે કે રાતે. આથી વધારે વખત ખાવાની કશી જરૂર નથી હોતી. શહેરોમાં કેટલાક વખતોવખત ખાય છે. આ નુકશાન કારક છે. હોજરી આરામ માગે છે.