પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨. પાણી

પાણીના ઉપચાર જાણીતી તેમજ પુરાણી વસ્તુ છે. તેને વિશે ઘણાં પુસ્તકો લખાયાં છે. ક્યુનેએ તેનો ઉત્તમ ઉપયોગ શોધ્યો છે. એનું પુસ્તક હિંદુસ્તાનમાં બહુ પ્રસિદ્ધિને પામ્યું છે. તેનો તરજુમો પણ આપણી ભાષાઓમાં થયો છે. એના વધારેમાં વધારે અનુયાયી આંધ્ર પ્રદેશમાં મળે છે. ક્યુનેએ ખોરાક વિશે પણ સારી પેઠે લખ્યું છે. અહીં તો હું માત્ર પાણીના ઉપચારો ઉપર જ લખવા ધારું છું.

ક્યુનેના ઉપચારોમાં મધ્યબિંદુ કટીસ્નાન અને ઘર્ષણસ્નાન છે. તેને સારું તેણે ખાસ વાસણ પણ યોજ્યું છે. એની ખાસ આવશ્યકતા નથી. મનુષ્યના કદ પ્રમાણે ત્રીસથી છત્રીસ ઈંચનું ટબ બરોબર કામ આપે છે. અનુભવ પ્રમાણે મોટું જોઈએ તો મોટું લેવું. તેમાં ઠંડુ પાણી ભરવું. ઉનાળામાં ખાસ ઠંડુ રાખવાની જરૂર છે. તુરત ઠંડુ કરવું હોય તો, ને મળે તો, થોડો બરફ નાખવો. વખત હોય તો માટીના ઘડામાં ઠારેલું પાણી બરોબર કામ આપે છે. ટબમાં પાણી ઉપર કપડું ઢાંકી ઝપાટાબંધ પંખો કરવાથી તુરત ઠંડું કરી શકાય.

ટબ ભીંતને અઢેલીને રાખવું ને તેમાં પીઠને આધાર મળે એવું લાંબુ પાટિયું રાખવું, જેથી તેને અઢેલીને દરદી આરામથી બેસી શકે. આ પાણીમાં પગ બહાર રાખીને દરદી બેસે. પાણીની બહારનો શરીરનો ભાગ ઢાંકેલો હોવો જોઈએ, જેથી ઠંડી ન વાય. જે કોટડીમાં ટબ રાખવામાં આવે તેમાં હવાની આવજા અને અજવાળું હોવાં જ જોઈએ. દરદીના આરામપૂર્વક બેઠા પછી તેના પેડુ ઉપર એક નરમ ટુવાલ વતી ધીમું ઘર્ષણ કરવું. પાંચ મિનિટથી ત્રીસ મિનિટ લગી બેસી શકાય. સ્નાન થયા પછી ભીનો ભાગ