પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નિચોવવીને તેને કામળ ઉપર પાથરવી. આની ઉપર દરદીને ચત્તો સુવાડવો. તેનું માથું કામળ બહાર તકિયા ઉપર રાખવું. માથા ઉપર ભીનો નિચોવેલો ટુવાલ રાખવો. દરદીને સુવાડીને તરત કામળ ના છેડાને ચાદર ચારે મેર લપેટી લેવાં. હાથ ચાદરની અંદર હોય, પગ પણ બરોબર ચાદર ને કામળાની અંદર ઢંકાયેલા હોય કે જેથી બહારનો પવન અંદર જવા ન પામે. આ સ્થિતિમાં દરદીને એક-બે મિનિટમાં ગરમી લાગવી જોઈએ. શરદીનો ઇશારો માત્ર સુવાડતી વખતે જણાશે, પછી દરદીને સારું જ લાગવું જોઈએ. જો તાવે ઘર ન કર્યું હોય તો પાંચેક મિનિટમાં ઘામ થઈને પસીનો છૂટે. પણ સખત માંદગીમાં અડધો કલાક લગી મેં દરદીને ચાદરમાં રાખ્યો છે ને આખરે પસીનો આવ્યો છે. કેટલીક વાર પસીનો નથી છૂટતો પણ દરદી સૂઈ જાય છે. સૂઈ જાય તો દરદીને જગાડવો નહીં, ઊંઘ સૂચવે છે કે તેને ચાદરસ્નાન આરામ આપે છે. ચાદરમાં મુકાયા પછી દરદીનો તાવ એક-બે અંશ નીચે ઊતરે જ છે. સન્નિપાતમાં ઘેરાયેલા બેવડા ન્યુમોનિયાવા।ળા મારા દીકરાને મેં ચાદરસ્નાન આપ્યું છે. ત્રણ-ચાર દિવસ આપ્યાપછી તાવ હઠ્યો ને પસીને રેબઝેબ થયો. તેનો તાવ છેવટે ટાઈફૉઈડ નીવડ્યોને ૪૨ દિવસે તાવ ઊતર્યો. ચાદર સ્નાનતો ૧૦૬ ડિગ્રી સુધી તાવ જતો ત્યાં લગી જ આપ્યું. સાત દિવસ પછી એવો સખત તાવ ગયો, ન્યુમોનિયા ગયો ને પછી ટાઇફૉઈડ રૂપે ૧૦૩ લગી જતો. અંશ (ડિગ્રી) વિશે મને સ્મરણશક્તિ છેતરતી હોય એમ બને. આ ઉપચાર દાક્તર મિત્રોની સામે થઈને મેં કરેલો. દવા કંઈ જ નહીં આપેલી. એ દીકરો મારા ચારે દીકરાઓમાં વધારે સારું આરોગ્ય આજે ભોગવે છે ને સહુથી વધારે ખડતલ છે.