પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ મોંઘી વસ્તુ છે. ગમે તે માણસના હાથમાં મુકાય નહીં એવી વસ્તુ છે. પણ પાણી તો બધાયને ત્યાં હોવાથી દવા તરીકે તેના ઉપયોગની અવગણના કરીએ છીએ. આ અવગણનામાંથી બચી જવું જોઈએ. આપણા ઘરમાં પડેલા ઉપાયો જાણવાથી આપણે ઘણા ભયોમાંથી ઉગરીએ છીએ.

વીંછી જેને ડંખે છે તેને જ્યારે બીજી કશી વસ્તુથી ફાયદો નથી થતો ત્યારે ડંખાયેલો ભાગ ગરમ પાણીમાં બોળવાથી ને તેમાં રાખવાથી કંઈક આરામ તો મળે જ છે.

એકાએક ટાઢ ચડે ત્યારે વરાળ આપવાથી કે દરદીની આસપાસ ગરમ પાણીવાળી બાટલીઓ ગોઠવવાથી ને બરોબર ઓઢાડવાથી તેની ટાઢ સમાવી શકાય છે. બધાની પાસે રબરની કોથળી નથી હોતી. કાચની મજબૂત બાટલી, જેને મજબૂત બૂચ હોય, તે એનું કામ આપે છે. કોઈ પણ ધાતુની બાટલી , જેને બરોબરનું બૂચ લગાડાય, તે પણ સુંદર કામ આપે છે. ધાતુની કે બીજી બાટલી બહુ ગરમ જણાય તો તેને જાડા કપડામાં લપેટવી જોઈએ.

વરાળરૂપે પાણી બહુ કામ આપે છે. પરસેવો ન આવતો હોય ત્યારે વરાળ લેવાથી તે લાવી શકાય છે. સંધિવાથી જેનું શરીર ઝલાઈ ગયેલું હોય તેને અથવા જેનું વજન બહુ વધી ગયું હોય તેને સારુ વરાળ બહુ ઉપયોગિ વસ્તુ છે. વરાળ લેવાની પુરાણી અને સહેલામાં સહેલી રીત આ છે: શણનો કે સીંદરીનો ખાટલો વાપરવો વધારે સારું છે, પણ પાટીનોય ચાલે. તેની ઉપર ચોફાળ કે કામળ પાથરીને દરદીને તેની ઉપર સુવાડવો. ઊકળતા પાણી ભરેલી બે તપેલી અથવા ઘડા ખાટલાની નીચે મૂકવા. દરદીને એવી રીતે ઢાંકવો કે જેથી તે કામળ ચોમેર ભોંયને અટકે, જેથી બહારની હવા ખાટલા નીચે ન જવા પામે.