આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપહાર
ફર્યો તારી સાથે, પ્રિયતમ સખે ! સૌમ્ય વયનાં
સવારોને જોતો વિકસિત થતાં શૈલશિખરે;
અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના
મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં !
તરંગોના સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં
વિલોકીને વેર્યો વિમલ કુસુમોનો ગણ અને
સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે,
અને ત્યાં પાસેનાં તરુવર રહ્યાં ઉત્સુક બની !
ઠરી સ્થાને સ્થાને, કુદરત બધીને અનુભવી,
કર્યા ઉદ્દગારો, તે બહુ બહુ હવામાં વહી ગયા;
સખે ! થોડા ખીણો ગહન મહીં તોયે રહી ગયા
કલાથી વીણામાં ત્રુટિત સરખા તે અહીં ભરું!
અને તેને આજે તરલ ધરું તારા ચરણમાં,
ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં !