આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
હરિ ! આવો ને
ન્હાનાલાલ
આ વસન્ત ખીલે શતપાંખડી, હરિ ! આવો ને;
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ ! આવો ને.
આ વિશ્વ વદે છે વધામણી, હરિ ! આવો ને;
આવી વાંચો અમારા સોભાગ્ય; હવે તો હરિ ! આવો ને.
આ ચંદરવો કરે ચન્દની, હરિ ! આવો ને;
વેર્યાં તારલિયાના ફુલ; હવે તો હરિ ! આવો ને.
પ્રભુ પાથરણાં દઈશ પ્રેમનાં, હરિ ! આવો ને;
દિલ વારી કરીશ સહુ ડુલ; હવે તો હરિ ! આવો ને.
આ જળમાં ઉઘડે પોયણાં, હરિ ! આવો ને;
એવા ઉઘડે હૈયાના ભાવ; હવે તો હરિ ! આવો ને.
આ આસોપાલવને છાંયડે, હરિ ! આવો ને;
મનમહેરામણ, મહારાજ ! હવે તો હરિ ! આવો ને.
મ્હારે સુની આયુષ્યની શેરીઓ, હરિ ! આવો ને;
મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ ! આવો ને.
મ્હારા કાળજા કેરી કુંજમાં, હરિ ! આવો ને;
મ્હારા આતમસરોવરઘાટ; હવે તો હરિ ! આવો ને.