આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વરવહુ અમે
જતાં’તાં સાંજે જ્યાં, વર વહુ અમે પાક લણતાં,
ન જાણું જે શાથી, વર વહુ અમે તો લડી પડ્યાં;
લડ્યાં, રોયાં પાછાં વર વહુ અમે આંસુ ચુમતાં,
હતાં જેવાં તેવાં વર વહુ અમે તો બની રહ્યાં.
અરે કેવી મીઠી,
લડાઇ તે દીઠી,
કરે હૈયાં ખાલી,
અને આંસુ ઢાળી
હતું તેથી જ્યાદે પ્રયણી જનનું ઐક્ય જ કરે,
જયહાં આંસુ સાથે અધરરસ પીયૂષ જ ઝરે!
પછી પહોંચ્યાં જ્યારે વર વહુ અમે તે નદીતટ
જ્હાં સૂતું’તું જે ગત સમયમાં બાલક હતું.
ત્યાં તેની નાની-
અરે! તેની નાની કબર કુમળીની જ નિકટ
થયું પાછું આંસુ અધરરસ પીયૂષ ઝરતું!