પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



અભાનોર્મિ

મણિલાલ દ્વિવેદી

ગગને આજ પ્રેમની ઝલક છાઇ રે, ગગને આજ પ્રેમની…
પૃથ્વી રહી છવાઇ, પરવતો રહ્યા નાહી,
સચરાચરે ભવાઇ રે. ….ગગને
ભૂત ને ભવિષ્ય ગયા, વર્તમાન સર્વ થયા,
એકમાં અનેક રહ્યા રે ….ગગને
કીડીથી કુંજર સુધી, ગળી ભેદબુધ્ધિ ઊંધી,
વાટડી અભેદ સુધી રે ….ગગને
વાદ ને વિવાદ ગળ્યા, ઝેર ને વિખવાદ ટળ્યા,
જુદા સઉ ભેગા મળ્યા રે ….ગગને
વ્રત જોગ તપ સેવા, જુઠા છે પ્રસાદ મેવા,
પંડિતો વેદાંતી તેવા રે ….ગગને
ધનભાગ્ય તેનાં જેણે, પ્રેમ પી નિહાળ્યો નેણે,
સુખને શું કહેશે વેણે રે ? ….ગગને
સાંભળશે કોણ કહેશે, શા થકી વખાણી લેશે,
ન કહ્યે કહેવાઇ રહેશે રે ….ગગને
પ્રેમ જે કહી બતાવે, પ્રેમ જે કરી બતાવે,
મણિ તેને મન ભાવે રે. ….ગગને