આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ચંદન
દામોદર બોટાદકર
(શિખરિણી)
સભામાં શ્રીમંતો, અમીર, ઉમરાવો, અનુચરો
અને આવે બીજા, બહુ નગરના યોગ્ય પુરૂષો
મને પ્રીતિ નિત્યે, સહુ જન પરે પૂર્ણ પ્રકટે
પિતા પેઠે મારું, હ્રદય થઈને વત્સલ રહે
પરંતુ જે પેલો, વણિક અહીં આવે સહુ વિષે
અરે એને જોતાં, અધિક ઉરમાં ક્રોધ ઉપજે
ન તે વૈરી મારો, અવિનય લગાર નવ કરે
બગાડે ના કાંઈ, સરોષ કદીએ વાક્ય ન વદે
તથાપિ શા માટે, હ્રદય મુજ એને નિરખીને
વડા વૈરી જેવો, સમજી હણવા તત્પર બને
વિના વાંકે એવો, મુજ હ્રદયને ક્રોધ ન ઘટે
ખરે જાણું છું એ, પણ હ્રદય પાછું નવ હઠે
(શાર્દૂલવિક્રીડિત)
ભૂપાળે દિન એક મંત્રિવરને એકાંત દેખી કહી
ઊંડી અંતર કેરી વાત ઉરને જે સર્વદા બાળતી
એનું કારણ શોધવા સચિવને તે સાથે આજ્ઞા કરી
મુંઝાણો મન મંત્રી ઉત્તર કશો આપી શક્યો ત્યાં નહિ