આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
હ્રદય હોમી અમરગણને સદા સંતોષનારા એ
સુધા ને સ્વર્ગને જગમાં ઉઠાવી લાવનારા એ
મણિધરને ચડી માથે નિરાંતે નાચનારા એ
સકળ સંસારસિંધુને પલકમાં પી જનારા એ
શરો કેરી સજી શય્યા સુખે એમાં સુનારા એ
નિહાળી નેત્રથી સે'જે મદનને મારનારા એ
પવનની પીઠ પર બેસી કૂદી જલધિ જનારા એ
હલાહલને ગ્રહી હાથે સુધા કરી આપનારા એ
દીવાલો દ્વૈતની દૈવી પ્રણયથી પાડનારા એ
દિશાના દીપતા દીવા, ગગનમાં ગાજનારા એ
રસાર્ણવમાં વિના યત્ને જગત્ ઝબકોળનારા એ
અને એના તરંગોથી ખરેખર ! ખેલનારા એ
થઈ રસરૂપ રસ માંહે મળી પિગળી જનારા એ
અતટ અદ્વૈતસિંધુના બધા બિંદુ થનારા એ