રહે છે રાત દિન ખુલ્લાં હ્રદય એ વિશ્વને માટે
વિના અધિકાર કો દેખે ? વિના અધિકાર કો વાંચે ?
વિપુલ અમ યજ્ઞવેદિમાં પ્રણયવહ્નિ સ્વતઃ પ્રકટે
સમર્પે શૈત્ય સામીપ્યે રહે જે દૂર તે દાઝે
હ્રદયની આહુતિ દેતા ઉમંગે ઋત્વિજો દૈવી
હ્રદયપ્યાલે સુરસ ઝીલે નીચોવી પ્રેમની વલ્લિ
ભરી ભૂદેવ એ પ્યાલા પરસ્પર પાય ને પીતા
બની ચકચૂર મસ્તાના જગત્-જંજાળ એ જીત્યા
અહો રસ સોમના ભોગી જનો! આવો અહીં આવો
તમારે કાજ યજ્ઞાંતે સુરસ એ સ્વર્ગથી આવ્યો
તમે એ પાનથી રાચી શકો છો ભેદને ભાગી
તમે એના, તમારો એ, ઊભય અન્યોન્ય અધિકારી
અરે સંસારીઓ ! પીવા તમે રસ એ નહિ ચા'શો
પચાવી ના કદી શકશો સહજ અડતાં વિકળ થાશો
તમે તો સ્વાર્થના ભોગી ન એની પાત્રતા પામ્યા
દયા અમને ઉરે આવે, ન ચાલે જીવ એ દેતાં
તમારા બંધુઓ લોભે ઘણાં હઠથી ગયા પીવા
પરંતુ સ્વાદ નવ આવ્યો પચાવી ના શક્યા પીતાં
વિષય ને સ્વાર્થનાં લીંબુ નીચોવ્યાં સ્વાદને માટે
પછી પીતાં થયા ઘેલા, ઉડ્યા બેહાલ આકાશે
પડ્યા કો શૈલને શૃંગે ગયા શિર એમનાં ફુટી
થયો અસ્થિ તણો ચૂરો મુવા કષ્ટે રડી કુટી
પડ્યા કો ક્ષારસિંધુમાં મહામગરો તણા મુખમાં
નસેનસ ઝેર ચડવાથી ઘણા પામ્યા મરણ દુઃખમાં
પ્રણયરસ એકલો પીતાં ઉદરમાં ના રહી શકશે
અને કૈં મિશ્ર કરવાથી મહા વિષરૂપ એ બનશે
હ્રદયની આહુતિ દેતાં ડરે-શોચે નહિ ક્યારે
પ્રણયરસ એ જ પી જાણે પચાવી તે શકે એને
પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૩૩
Appearance
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે