પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



અમારો યજ્ઞ

દામોદર બોટાદકર

નિસર્ગે પ્રેમ છે જેને, હ્રદય રસરૂપ છે જેને
અમારા યજ્ઞમાં વરવા તણો અધિકાર છે એને
અમારા સત્રની શાળા રહી બ્રહ્માંડમાં વ્યાપી
અને આકાશથી ઊંચી અણુથી તોય તે નાની
ન સીમા દુર્ગ કોઈ એને બધા રસ્તા સદા ખુલ્લા
પરંતુ ના જશો પેસી વિના અધિકાર કો એમાં
પ્રબળ પ્રેમાગ્નિના તેજે તમારી આંખ અંજાશે
પડી ભૂલા જશો રખડી મનુષ્યો મૂર્ખ સૌ કે'શે
બતાવી ના અમે શકશું પછી જો પૂછશો રસ્તો
અમે અહીંથી નીકળવાનો નથી રસ્તો કદી દીઠો
પ્રણય સંગે લઈ જન્મે, વધે જે પ્રેમને સંગે
પ્રણયસંતુષ્ટ જે ખેલે પ્રણયસંગે સદા રંગે
અમારા એજ અધ્વર્યુ અને અધિકારીઓ સાચા
પ્રણયમખના ખરા ભાગી સફળ આ સત્ર કરનારા
કમળથી કોમળાં હ્રદયો કઠિન વળી વજ્રથી ભારી
અમારા ઋત્વિજો કેરી અગર એ અન્ય એંધાણી
હ્રદય પિગળી પડે પળમાં સહજ સત્પ્રેમના સ્પર્શે
પ્રણયમાં મસ્ત એ થાતાં શિરે પદ મૃત્યુને મૂકે
ન એને શત્રુ કો પ્રાણી, વિષમ-સમ ભાવ ના એને
સુધા એ નેત્રથી વરસે સુધાનો સિંધુ એ હ્રદયે
લખેલા પ્રેમના મંત્રો દીસે રસરૂપ એ હ્રદયે
શકે પ્રેમી સહજ વાંચી, નહિ ઉચ્ચારમાં આવે