આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વૈશાખનો બપોર
વૈશાખનો ધોમ ધખ્યો જતો'તો
દહાડો હતો એ કશી કૈં રજાનો.
બપોરની ઊંઘ પૂરી કરીને
પડ્યાં હતાં આળસમાં હજી જનો,
જંપ્યાં હતાં બાળક ખેલતાંયે,
ટહુકવું કોકિલ વીસર્યો'તો,
સંતાઇ ઝાડે વિહગો રહ્યાં'તાં,
ત્યારે મહોલ્લા મહીં એક શહેરના
શબ્દો પડ્યા કાનઃ 'સજાવવાં છે
ચાકુ સજૈયા છરી કાતરો કે?'
ખભે લઈને પથરો સરાણનો
જતો હતો ફાટલ પહેરી જોડા,
માથે વીંટી ફીંડલું લાલ, મોટું
કો મારવાડી સરખો ધીમે ધીમેઃ
ને તેહની પાછળ છેક ટૂંકાં
ધીમાં ભરંતો ડગલાં જતો'તો
મેલી તૂટી આંગડી એક પહેરી
માથે ઉગાડે પગયે ઉઘાડે,
આઠેકનો બાળક એક દૂબળો.
'બચ્ચા લખા! ચાલ જરાક જોયેં
એકાદ કૈં જો સજવા મળે ના,
અપાવું તો તૂર્ત તને ચણા હું.'
ને એ ચણા આશથી બાળ બોલ્યોઃ
'સજાવવાં કાતર ચપ્પુ કોઈને!'
એ બાળના સ્નિગ્ધ શિખાઉ કાલા