આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અવાજથી મેડીની બારીઓએ
ડોકાઈને જોયું કંઈ જનોએ.
પરંતુ જાપાની અને વિલાયતી
અસ્ત્રા છરી કાતર રાખનારા
દેશી સરાણે શી રીતે સજાવે!
ત્યાં કોકને કૌતુક કૈં થયું ને
પૂછ્યું: 'અલ્યા તું કહીંનો, કહે તો!'
'બાપુ! રહું દૂર હું મારવાડે.'
દયા બીજાને થઈને કહેઃ 'જુઓ!
આવે જનો દૂર કહીં કહીંથી?
જુઓ જુઓ દેશ ગરીબ કેવો!'
અને કહે કોઈ વળી ભણેલોઃ
'આ આપણા કારીગરો બધાએ
હવે નવી શીખવી રીત જોઈએ;
ચાલે નહિ આવી સરાણ હાવાં!'
ને ટાપશી પૂરી તહીં બીજાએઃ
'નવી સરાણે જણ એક જોઈએ
પોસાય ત્યાં બે જણ તે શી રીતે? '
'બાપુ સજાવો કંઈ ' ' ભાઈ ના ના
સજાવવાનું નથી કૈં અમારે.'
અને ફરી આગળ એહ ચાલ્યો
'સજાવવાં ચપ્પુ છરી!' કહેતો;
ને તેહની પાછળ બાળ, તેના
જળે પડેલા પડઘા સમું મૃદુ
બોલ્યોઃ 'છરી ચપ્પુ સજાવવાં છે?'
જોયું જનોએ ફરી ડોકું કાઢી
કિન્તુ સજાવા નવ આપ્યું કોઈએ.
થાકી વદ્યો એ પછી મારવાડીઃ