આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
શું નિયમ ચક્રમાં ફરવું? શેં લ્હેવું ગુરુખેંચાણ?
શું ડરી ડરી ડગ ભરવું? ના ગમે ગુલામી લ્હાણ!
હું સ્વયંસ્ફુરણમાં ખીલતો ઝગમગતો સ્વયંપ્રકાશ,
મમ સર્જિત મોજે ઝીલતો તોડી યુગભરના પ્રાશ.
હું એકલ– સાથ ન શોધું, માગ્યું મેં નવ કદી દાન,
હું દયાભાવ અવરોધું, હું સદાય ભયથી અભાન.
અવકાશ અરણ્યે ઘૂમતો, ડૂબતો પાતાળ અનંત,
ગ્રહમાળામાં ઘમઘમતો હું દાશરથી બલવંત.
કંઈ વિરાટ ઝોલા ખાતો શોધું હું વિશ્વકિનાર,
વળી ખંડિત કરતો જાતો મહાકાલચક્રની ધાર.
હું અબંધ ગીતો ગાતો અણનમ–અણનિયમનપ્રિય,
દિલ ચાહે ત્યાં પથરાતો મનમોજી સ્વછંદ સક્રિય.
મુજ તેજકાય નવ રોધો, પામરતાના ઓ પૂંજ!
તમ દરિદ્ર નિયમ ન શોધો, હું રમતો મુક્તિકુંજ.
બસ, ખબરદાર, અથડાશો, તમ તનની ઊડશે ખાક;
નવ બંધનનાં ગીત ગાશો: હું સૃષ્ટિ ચઢાવીશ ચાક.
નવ દેહભંગથી ડરતો, ફુટશે અણગણ અંગાર,
મુજ શ્વેત કેતુ ફરફરતો વરસાવે અગ્નિધાર.