કોણ કહે કજિયાળો રે!
ઝવેરચંદ મેઘાણી
કોણ કહે કજિયાળો મુજને, કોણ કહે કજિયાળો રે!
એવું કહી શીદ બાળો મુજને, કોણ કહે કજિયાળો રે!
કોણ કહે કજિયાળો રે!
મન મારું આકાશે તરતું, વાદળીઓની સાથે ફરતું,
બા કે'શે કે લેસન કર તું, ઠપકો દેતી ઠાલો રે.
કોણ કહે કજિયાળો રે!
ઍરોપ્લેનને ઊડતું દેખું, જાણે જઈ ગગનમાં ઠેકું,
બાપુ ત્યાં ગોખાવે લેખું, મરજો લેખાવાળો રે
કોણ કહે કજિયાળો રે!
ઘૂંટું જ્યાં પાટી પર મીંડાં, સાંભરતાં રૂપાળાં ઈંડાં,
શોધું છું ક્યાં ક્યાં પંખીડાં, બાંધે બેઠાં માળો રે.
કોણ કહે કજિયાળો રે!
ઊંડા ઊંડા દરિયા ઉપર શી રીતે દોડે છે સ્ટીમર,
પૂછું રે કોઈ આપો ઉત્તર, મારી શંકા ટાળો રે.
કોણ કહે કજિયાળો રે!
પૂછું તો બા શીદ ખિજાતાં, કેમ નથી કંઈ ગીતો ગાતાં
મૂંગાં મૂંગાં પોઢી જાતાં, કેમ જશે શિયાળો રે
કોણ કહે કજિયાળો રે!
આવી દૂધલિયાળી રાતો, કહો બા, તારાની વાતો,
શી રીતે આ આભ સુહાતો ઝગમગ ભાત્યોવાળો રે
કોણ કહે કજિયાળો રે!