આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
લલિત લજ્જાનો વદન જમાવ
અંગ આખે યે નિજ અલબેલ
સાળુમાં ઢાંકતી રૂપની વેલ
રાણકતનયા ભાવશોભના સુન્દરતાનો શું છોડ
આર્ય સુન્દરી નથી અવનીમાં તુજ રૂપગુણની જોડ
ભાલ કુમકુમ કરકંકણ સાર
કન્થનાં સજ્યાં તેજશણગાર
ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ
અમારો ગુણિયલ ગુર્જર દેશ
દેશ નિજ તજી ધર્મને કાજ
સાગરે ઝુકાવ્યું સફરી જહાજ
ધર્મવીર પારસીનો સત્કાર
જગત ઈતિહાસે અનુપ ઉદાર
ઈસ્લામી યાત્રાળુનું આ મક્કાનું મુખદ્વાર
હિન્દુ મુસલમિન પારસીઓને અહિયાં તીરથદ્વાર
પ્રભુ છે એક ભૂમિ છે એક
પિતા છે એક માત છે એક
આપણે એકની પ્રજા અનેક
ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ
અમારો ગુણિયલ ગુર્જર દેશ