આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઓલાતી આંખડી ઢાળી, શ્વાસ નિતારી, બોલતો થંભે રે
સૂના સમદરની પાળે.
સાથી એની આગળ ઝૂકે
રે સાથી એનું શિર લ્યે ઊંચે;
બુઝાણો પ્રાણ તિખારો વીર કોડાળો જાય વિસામે રે
સૂના સમદરની પાળે.
ચાલી આવે આભમાં ચંદા
રે ચાલી આવે આભમાં ચંદા
ચંદાનાં નેણલાં નીચે કારમા કેવા કેર વેરાણા રે
સૂના સમદરની પાળે.
ઠારોઠાર ખાંદણાં રાતાં
રે લારોલાર ઢૂંઢ ને માથાં;
કાળી એ કાળલીલાને ન્યાળતી ચંદા એકલી ઊભી રે
સૂના સમદરની પાળે.
ઊભી ઊભી ન્યાળતી આઘે -
રે ઊભી ઊભી ન્યાળતી આઘે
રાજેસર ગામ ને રેવાતીરનાં સૂતાં માનવી મોંઘાં રે
સૂના સમદરની પાળે.
[૧૯૩૦]