લખાણ પર જાઓ

પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



અર્પી દઉં સો જન્મ ! એવડું મા તુજ લ્હેણું

બહેરામજી મલબારી

સુણ ગરવી ગુજરાત વાત કંઈ કહું તે કાનમાં
સમજુ છે તું સુજાત સમજશે સહજ સાનમાં

વસ્તી વસુ સુખ તને વળી વેપાર વણજનું
જ્ઞાન ધર્મે પણ સુખી દુઃ ખ નહિ અધિક કરજનું

પણ ક્યાં બુદ્ધિ વિશાળ કવિ ઋષિ વીર ગયાં ક્યાં
રણ ગજવે રંગભૂમિ સર્વ એ સ્થિર થયા ક્યાં

પાડી દેહ પવિત્ર ગયા ક્યાં રક્ષક એવા
ક્યાં તે સ્વદેશદાઝ પ્રજા રાજાની સેવા

બેઠી પનોતી હાય દુર્દશા આખે દેશે
જ્યાં જોઉં ત્યાં સ્વાર્થ ભટકતો ભિન્ન ભિન્ન વેશે

ત્રણ સૈકા વહી ગયા વશ પડી રહી બીજાને
જતા આવતા સર્વ પવનની આણ તું માને

દેશ દેશ વગડાવ શંખ તુજ સ્વાધીનતાનો
બધે ઐક્ય પ્રસરાવ પરાજય કરી ભિન્નતાનો

પિટવ દાંડી પરમાર્થ સ્વાર્થ સંહારી માડી
સુધરે પ્રજા પરિવાર પરસ્પર પ્રીતે ગાઢી