પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



પુત્રીવિદાય

દામોદર બોટાદકર

આજ મરી જતી માવડી રે એને કાળજે કાણાં
દૂધ ભર્યું હજી દાંતમાં રે એને આપવા આણાં

ઢોલિડાં ઢોલ ઢબૂકતો રે ઘડી રોકજે તારો
ઘાવ ઊંડા ઘટમાં પડે રે નથી વેઠવા વારો

ઘમઘમ ગાજતી ગોંદરે રે આવી વેલડી ઊભી
રોકી શકે નહિ રાંકડી રે જતી મહિયરમોંઘી

ધોરી ધીમે તમે ચાલજો રે મારું ફૂલ ન ફરકે
ઊડી જશે પળ એકમાં રે એનું કાળજું ધડકે

સાસરવાટ શીલા ભરી રે એને છેક અજાણી
ક્યાંય શીળી નથી છાયડી રે નથી પંથમાં પાણી

લાજભરી મારી લાડકી રે એને મોઢડે તાળાં
કોણ પળે પળ પૂછશે રે દુખ જોઈ દયાળાં

ઘામ વળે એને ઘૂમટે રે ઝીણાં વીંઝણાં દેજો
પાલવડાંને પલાળતાં રે લૂંછી આંસુડાં લેજો

હૈયાસૂની હબકી જતી રે એને રાખજો રાજી
મેં તો ત્યજી હવે હાથથી રે હતી જાળવી ઝાઝી