પૃષ્ઠ:Akbar.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
અકબર


નરકની અધિકારીણી હતી. તે પ્રજાના આગ્રહો કાર્યસિદ્ધિ પૂર્વે અશક્ય ગણાય એટલે અંશે નરમ પાડવાને સમસ્ત પ્રજાવર્ગના પ્રમાણમાં માત્ર મુઠ્ઠીભર મુસલમાનોનો એક સરદાર સમર્થ થઈ શકે કે નહીં એ વિચારનો આધાર તે સરદારના મનના બંધારણ ઉપર અને પોતાના ધર્મવાળાઓથી ભિન્ન મતનું વિના આગ્રહ ગ્રહણ કરવાની અને તેની નિષ્પક્ષપાત તુલના કરવાની તેની શક્તિની ઇયત્તા ઉપર રહેલો છે. આ બાબતમાં ઉદાર નીતિ પૂર્ણ રીતે વાપરવાને આ વખત કેવળ પ્રતિકૂળ હતો, એટલું તો નિઃસંદેહ છે.

મુસલમાનો વિજેતા હતા એટલું જ નહિ પણ પોતાનો ધર્મ તલવારથી ફેલાવનારા વિજેતા હતા. તેઓમાંના ખરા ઝનુની લોકો હિંદુ ધર્મ અને તેના અનુયાયિઓ ઉપર અત્યંત ધિક્કારની નજરે જોતા હતા; જે ધિક્કાર તે કાળના એક ઇતિહાસકાર બદૌનીના લેખમાં પાને પાને જોઈ શકાય છે. આ ધિઃકાર માત્ર હિન્દુ ધર્મ ઉપરજ હતો એમ નહીં પણ મહમદીય ધર્મ સિવાયના બીજા બધા ધર્મના આચાર વિચાર ઉપર પણ એવીજ રીતનો ધિઃકાર હતો.

અકબર આજ ધર્મમાં જન્મેલો હતો. પણ જન્મથીજ એનું મન શોધકવૃત્તિનું હતું. અને કોઈ પણ વસ્તુને તે સિદ્ધવત્‌ માની લેતો જ નહીં. એની કેળવણીના વખતમાં, માત્ર હિંદુ ધર્મના હોવાથી જેમને એના દરબારીઓએ નિરંતરની માનસિક વ્યથામાં નાંખ્યા હતા, એવા રજપુત રાજાઓની પ્રામાણિકતા એકનિષ્ઠતા અને ઘણીવાર તેમના જીવનની ઉદારતા વગેરે તેમના સદ્‌ગુણો જોવાના ઘણા પ્રસંગો અકબરને મળ્યા હતા. એ સમજ્યો હતો કે આ માણસો અને આમનાજ ધર્મના બીજા માણસો એજ મારી પ્રજાનો ઘણો મોટો ભાગ છે. એણે વળી એમ પણ જોયું કે આમાંના ઘણા વિશ્વાસપાત્ર માણસો દરબારનો ધર્મ સ્વીકારવાથી વ્યવહારિક દૃષ્ટિએ એમને ઘણો લાભ થશે એમ સ્પષ્ટ જાણ્યા છતાં પણ પોતાના જ ધર્મને ચુસ્ત રીતે વળગી રહ્યા છે. આ કારણથી હું વિજેતા રાજા મુસલમાન છું તેટલા માટે મુસલમાની ધર્મ મનુષ્ય માત્રને માટે ખરો ધર્મ છે એવો સિદ્વાન્ત ગ્રહણ કરવા એનું વિચારશીલ મન પ્રથમથીજ નારાજ હતું. ધીમે ધીમે એના વિચારો નીચેના વચનમાં શબ્દરૂપે આવ્યા. “હજી હુંજ જ્યારે