પૃષ્ઠ:Akbar.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
અકબર


કબરના રાજ્યના વિદ્યાગૌરવમાં પોતાના બુદ્ધિબળથી ઉદ્યોગથી અને પોતાની વિદ્વત્તાથી સહાયતા કરનારા બીજા વિદ્વાનોના સંબંધી કાંઈ નોંધ લેવાની જરૂર નથી. અમર થઈ ગયેલી અઈનમાં બધા નાના મોટા વિદ્વાનોની યાદી રાખવામાં આવેલી છે. પણ વિદ્યા તથા હુન્નરને બાદશાહે પંડે ઉત્તેજન આપ્યું હતું તે સંબંધી બે બોલ લખવા ઉચિત છે. એમ લાગે છે કે પોતાના રાજ્ય બહારથી જે ગ્રંથો મળી આવે છે તથા હિંદુ મૂળ ગ્રંથો અને તેમનાં ભાષાંતરો એકઠા કરવાની અને ફારસીમાં તેમનાં ભાષાંતરો કરાવવાની તે નિરંતર કાળજી રાખતો અને બધા ગ્રંથોને પોતાના પુસ્તકાલયમાં સંગ્રહ કરવામાં ઘણું લક્ષ આપતો. આ ગ્રન્થસંગ્રહ સંબંધી આઈનનો કર્તા લખે છે કે એના ઘણા વિભાગ કરવામાં આવ્યા હતા. “એમાંના કેટલાંક પુસ્તકો અંતઃપુરમાં અને કેટલાંક અંતઃપુરની બહાર રાખવામાં આવે છે. પુસ્તકાલયના પ્રતિવિભાગના પેટાભાગ પાડેલા છે. જેનું ધોરણ પુસ્તકોના મહત્વ ઉપર અને જે શાસ્ત્ર સંબંધી તે પુસ્તક હોય તે શાસ્ત્રની લેખાતી કિંમત ઉપર રાખવામાં આવેલું છે. ગદ્યાત્મક ગ્રંથો, પદ્યાત્મક પુસ્તકો તેમજ ફારસી ગ્રીક, કાશ્મીરની અને આરેબીક ભાષાનાં પુસ્તકો એ બધાં જૂદા જૂદા વર્ગોમાં રાખવામાં આવેલાં છે. આ પ્રમાણેજ તેમની તપાસ પણ રાખવામાં આવે છે. અનુભવી માણસો હમેશાં બાદશાહ પાસે પુસ્તકો લાવે છે અને તેને વાંચી સંભળાવે છે. દરેક પુસ્તક આદિથી અંતસૂધી પોતે સાંભળે છે. વાંચનારાઓ જે જે પાને બંધ કરે ત્યાં ત્યાં પાનાની સંખ્યાના પ્રમાણમાં બાદશાહ પોતાને હાથે નીશાન રાખે છે, અને વાંચેલા પાનાનાં પ્રમાણમાં વાંચનારાઓને રોકડ નાણાં અથવા સોના રૂપાની બક્ષીસ આપે છે. વખણાયેલાં પુસ્તકોમાંનું કવચિત્‌જ કોઈ પુસ્તક બાદશાહના દીવાનખાનામાં વંચાયું નહિ હોય અને પૂર્વકાળની ઇતિહાસની વાર્તાઓ કે પદાર્થ વિજ્ઞાનની જાણવા જેવી વાતો અથવા તત્વશાસ્ત્રના કોઈ ખાસ હૃદયગ્રાહી વિષય એવા નહીં હોય કે જેથી આ પ્રાજ્ઞનો અગ્રણી–બાદશાહ અજાણ્યો હોય.’ ત્યાર પછી તેમાં બાદશાહનાં ખાસ પ્રીતિવાળાં પુસ્તકો કે જેના સંબંધી પૂર્વે કાંઈ કાંઈ લખાઈ ગયેલું છે તેની એક મોટી યાદી આવે છે.