પૃષ્ઠ:Akbar.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧
રાજ્યનો ઇતિહાસ


કર જમીન ઉપર નાંખવામાં આવ્યો છે. આ સંકટનો એવો કંઈ રસ્તો શોધી કઢાય કે જેથી પહેલા વર્ષનો નફો સરકાર અને ખેડુત બન્નેને મળે તો દૂર થાય એમ તેને લાગ્યું. આ વિષયની ચારે તરફથી તપાસ કરીને તેણે એવી ગોઠવણ કરી કે દરેક જીલ્લાનાં બધા પ્રગણાંની તપાસ કરવી. અને જેટલી જમીન ખેડાયાથી એક કરોડ ટકાની મહેસુલ આવે એટલી એટલી જમીનના ભાગ પાડવા અને તે ઉપર “કરોડી” એવા નામનો એક પ્રમાણિક અને ચાલાક અમલદાર નીમવો. તીજોરીના કારકુનો અને હીસાબ રાખનારાઓએ આ અમલદારો સાથે બધી ગોઠવણ કરવી અને સહુ સહુને સહુ સહુની જગાએ મોકલવા. જ્યાં ત્રણ વર્ષની મુદતમાં પડતર જમીનની સ્થિતિ પેદાશ કરે એવી, તપાસ રાખીને અને ધ્યાન દઈને બનાવવી અને સરકારને માટે મહેસૂલ એકઠી કરવી. આ યોજના અમલમાં મૂકાઈ અને તેમાંથી ધારેલા લાભો મળ્યા.

એક અપવાદ બાદ કરતાં દરેક રીતે કબરના રાજ્યનું ઓગણીસમું વરસ આ ઊગતા સામ્રાજ્યને માટે આબાદી ભરેલું હતું. વાયવ્ય, મધ્ય અને પશ્ચિમ હિંદમાં બંગાળા અને બીહારના મૂલકો ઉમેરાયા. ખરું જોતાં વિંધ્યાચળની ઉત્તરના તમામ મુલકમાં હુમાયૂંના શાહજાદાની આણ વર્તાવા લાગી. આ બધી સામાન્ય આબાદીમાં જે અપવાદ કહ્યો તે પશ્ચિમ હિંદુસ્તાનમાં ચાલેલા ભયંકર દુષ્કાળ અને મરકીરૂપ હતો. દાણાના ભાવ મનાય નહિ એટલા ચડી ગયા. અને ઘોડા તથા ગાયને ઝાડની છાલો ખવરાવવી પડતી. આ દુકાળ તથા રોગચાળો છ મહિના સુધી ચાલ્યો.

તે પછીના એટલે સને ૧૫૭૫ ની સાલના વરસની શરૂઆતનો ભાગ દાઉદનો કેડો લેવામાં અને ઓરીસા જીતવામાં રોકાયો. મેં ઉપર જણાવ્યું છે કે મુગલમારી અને જાળેશ્વરની વચ્ચે આવેલા બાજદ્વરા આગળ તેને હરાવામાં આવ્યો હતો. અને પછી છેક કટક સુધી એની પાછળ પડી ત્યાં આગળ ઘેરી લઈ એને શરણ માગવાની જરૂર પાડી હતી. એની સાથે થયેલા તહનામામાં એવી સરત કરી હતી કે એણે કબર બાદશાહને નામે અને એની વતી, ઓરીસા પ્રાંતનું રાજ્ય કરવું. આ વખતે પણ આપેલું વચન દાઉદે પાળ્યું નહિ. ત્યાં એણે સામા થવાની પહેલીજ અનુકૂળ તક લીધી.