પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૫


નહિ રહ્યો હોય. જેને પગાર મળવા પહેલાની મુદતમાં મદદની જરૂર હોય તેઓએ માલિકોને નમ્ર વિનંતિ કરવી અને અમને ખાત્રી છે કે માલિકો તે વિનંતિ સાંભળી કંઈક સગવડ કરી આપશે.

મજુરોએ યાદ રાખવાનું છે કે હવે પછીની તેમની હાલત તેમના કામ ઉપર આધાર રાખશે. તેઓ સાચી દાનતથી, નરમાશથી, અને ઉત્સાહથી નોકરી કરશે તો માલિકોની મહેરબાની મેળવશે ને તેમની ઘણી મદદ લઈ શકશે. બધું અમારી મારફતે જ મળી શકે એમ માનવાથી ભૂલ થશે. મજુરને ખરે સંકટે અમે સેવા કરવા તત્પર છીએ જ. પણ જેમ બને તેમ માલિકોને માબાપરૂપ ગણી તેઓની પાસેથી બધું લેવામાં મજુરોનું હિત સમાયેલું છે.

હવે શાંતિની જરૂર છે. નાની અગવડો સહન કરવાની છે.

તમે રજા આપશો તો જેઓમાં કુટેવ હશે તે સુધારવામાં મદદ કરવા અમે ધારીએ છીએ. તમને અને તમારાં બાળકોને કેળવણી આપવા ધારીએ છીએ. તમારી નીતિમાં, તમારી ને તમારાં બાળકોની તન્દુરસ્તીમાં, તમારી પૈસા સંબંધી સ્થિતિમાં સુધારો થાય એમ અમે ઇચ્છીએ છીએ. તે જો તમે કરવા દેશો તો એવું થાય તેવાં કાર્યો અમે કરીશું.

મજુરોની મોટામાં મોટી જીત એ જ કે તેઓની ટેક–લાજ–ખુદાએ–ઇશ્વરે રાખી છે. જેને ઈમાન રહ્યું તેને બધું મળ્યું છે. ઇમાન જાય ને પૃથ્વીનું રાજ્ય મળે તો તે ધૂળ બરાબર છે.