પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૧
 


કમાવા તૈયાર ન થાય, અને અમે જાહેર ફાળો ઉઘરાવી તેનો ઉપયોગ તેઓને ખવરાવવામાં કરીયે, તો અમે તેઓને ખરાબ જ કરીયે. જે લોકોએ સંચા ઉપર કામ કર્યું હતું તે લોકોને રેતી કે ઈંટની ટોપલી ઉપાડવા સમજાવવું બહુ કઠણ હતું. તેઓ તે કામ કરવા જતા, પણ ઘણી નાખુશીથી. મીલમાલિકોએ પણ પોતાનાં હૈયાં કઠણ કર્યા. તેઓએ પણ વીસ ટકાથી વધારે ન આપવાનો ઠરાવ કર્યો હતો, અને મજુરોને તાબે થઈ જવા સમજાવી લાવવા જાસુસો નીમ્યા હતા. લૉકઆઉટની શરૂઆતમાં જ અમે કામ ન કરનારને મદદ કરવા ના પાડી હતી, પરંતુ તેની જ સાથે અમે તેઓને ખાત્રી આપી હતી કે તેઓને ખોરાક અને કપડાં પૂરાં પાડ્યા પછી જ અમે પોતે ખાશું અને પહેરશું. આ પ્રમાણે ૨૨ દિવસ પસાર થયા. ભૂખમરાની અને મીલમાલિકોના જાસુસોની અસર થવા લાગી. અસુરી ભાવ તેઓના કાન ફૂંકવા લાગ્યો અને કહેવા લાગ્યો કે જગતમાં ઈશ્વર જેવું કંઈ નથી કે જે તેઓને મદદ કરે; અને વ્રતો તો યુક્તિઓ છે કે જેનો આશ્રય નબળા લોક કરે છે. પાંચથી દશ હજાર માણસોને ઉત્સાહ અને હોંશથી એકઠા થતા હું હમેશાં જોતો. તેઓની દૃઢતા તેઓના ચહેરા ઉપરથી જ જણાઈ આવતી. પરંતુ તેને બદલે એક દિવસ મેં માત્ર બે હજાર માણસોને એકઠા થયેલા જોયા; અને તેઓનાં મોઢાં ઉતરી ગયેલાં દેખાયાં. અમે તે જ અરસામાં એમ પણ સાંભળ્યું હતું કે અમુક એક ચાલમાં વસતા મીલમજુરોએ સભામાં આવવા ના પાડી છે અને