પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨


વીસ ટકાનો વધારો સ્વીકારવાની અણી ઉપર છે. અને તેઓ અમને સંભળાવતા હતા (અને હું ધારૂં છું કે તેમાં તેઓ વાજબી હતા) કે અમારી પાસે મોટર ગાડીઓ છે, પુરતું ખાવાનું છે, સભામાં હાજર રહેવાનું અને મરણ આવે તો પણ મક્કમ રહેવાની સલાહ આપવાનું અમારે માટે સ્હેલું છે. આવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ ? મને તેઓનો વાંધો વાજબી જણાયો. ઈશ્વર ઉ૫ર મને, પ્રત્યક્ષ ઉપર હોય તેવી અચલ શ્રદ્ધા છે. અને હું એમ માનું છું કે ગમે તે ભોગે વચનનું પાલન કરવું આવશ્યક છે. હું જાણતો હતો કે અમારી સમક્ષ ઉભેલા માણસો ઈશ્વરથી ડરે છે, પરંતુ લૉકઆઉટ અને હડતાળ બહુ લંબાયાથી તેઓ ઉપર અસહ્ય બોજો આવી પડ્યો છે. હિન્દમાં મેં ઘણી મુસાફરી કરી છે. તે દરમ્યાન મેં સેંકડો માણસો એવાં જોયાં છે કે જેઓ પલકમાં પ્રતિજ્ઞા કરે છે અને પલકમાં તેનો ભંગ કરે છે. મારા ખ્યાલમાં આ પણ હતું કે આપણામાંથી સૌથી સારા લેખાતા માણસોને પણ ઇશ્વરમાં અને આત્મબળમાં ઢીલી અને અસ્પષ્ટ શ્રદ્ધા હોય છે. મને લાગ્યું કે મારે માટે આ ક્ષણ પવિત્ર છે. મારી શ્રદ્ધા કસોટીએ ચઢેલી જણાઈ, અને હું વિના સંકોચે ઉભો થયો અને જણાવ્યું કે જે પ્રતિજ્ઞા ભાવપૂર્વક લેવાઇ છે તેનો ભંગ મીલમજુરો કરે એ મારે માટે અસહ્ય છે. એટલે મેં પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી તેઓને ૩૫ ટકાનો વધારો નહિ મળે, અથવા જ્યાં સુધી તેઓ ઢીલા નહિ થાય ત્યાં સુધી હું અન્ન નહિ લઉં. અત્યાર સુધી આ સભા આગલી સભાઓ જેવી ઉત્સાહી ન હતી; મંદ હતી.