પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩


કર્યા વિના જ્યારે મજુરો માગણી કરશે ત્યારે તેઓએ આધુનિક રાક્ષસી ન્યાય સ્વીકાર્યો ગણાશે. માલિકો મજુરની માગણી ઉપર ધ્યાન નથી દેતા તેમાં તેઓએ અજાણ્યે અને ભૂલથી પણ રાક્ષસી ન્યાય સ્વીકાર્યો છે. મજુરોની સામે માલિકોની એકત્રતા એ કીડીઓની સામે હાથીઓનું મંડળ ઉભું કર્યા બરોબર છે. ધર્મનો વિચાર કરતાં માલિકોએ મજુરોની સામે થતાં થરથરવું જોઇએ. મજુરોને ભૂખમરો એ માલિકોનો લાગ છે, આવો ન્યાય હિંદુસ્તાનમાં પૂર્વે માણસોએ જ્ઞાનપૂર્વક સ્વીકાર્યો હોય એમ જણાતું નથી. જે ન્યાયની અંદર કોઇને નુકસાન થાય જ નહિ એ જ ન્યાય હોય. અમે તો નિશ્ચયપૂર્વક આશા રાખેલી છે કે આ ગરવી ગૂજરાતની રાજધાનીના શ્રાવક અથવા વૈષ્ણવ ધર્મ સ્વીકારનારા માલિકો મજુરોને નમાવવામાં, તેઓને હઠપૂર્વક ઓછું આપવામાં કદિ પોતાની જીત સમજશે નહિ. અમે માની લઇએ છીએ કે આ પશ્ચિમનો વાયરો જેટલા ઝપાટાથી વાયો છે તેટલા જ વેગથી વિખરાઇ જશે. વિખરાય કે ન વિખરાય, પણ અમે મજુરોને હાલ પશ્ચિમમાં ચાલતી પ્રવૃત્તિ શીખવવા માગતા નથી. અમે તો તેઓને આપણા દેશનો જૂનો ન્યાય, જેવો આપણે જાણ્યો છે તેવો ન્યાય, પાળી પળાવી તેઓના હક સાબિત કરવામાં મદદ કરવા ઇચ્છીએ છીએ.

હાલના પશ્ચિમના ન્યાયથી થએલાં કેટલાંક માઠાં પરિણામોના દાખલા આવતા અંકમાં વિચારીશું.