પૃષ્ઠ:Anashakti Yog.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હે કૃષ્ણ ! તેમને મારીને હું નથી ઈચ્છતો વિજય, નથી માગતો રાજ્ય કે જાતજાતનાં સુખ; હે ગોવિન્દ ! અમારે રાજ્યનો કે ભોગોનો કે જીવતરનોયે શો ખપ ? ૩૨.

જેમને કાજે આપણે રાજ્ય, ભોગો અને સુખ ઈચ્છ્યું તે આ આચાર્યો, વડીલો, પુત્રો, પૌત્રો, દાદા, મામા, સસરા, સાળા અને બીજા સંબંધીજન જીવવાની અને ધનની તમા છોડીને લડાઈને સારુ ઊભેલા. ૩૩-૩૪.

ભલે તેઓ મને મારી નાખે, પણ ત્રિલોકીના રાજ્ય સારુ પણ હે મધુસૂદન, હું તેમને હણવા નથી ઈચ્છતો, તો પછી આ ભૂમિ માટે કેમ જ હણું ? ૩૫.

હે જનાર્દન ! ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને શો આનંદ થાય ? આ આતયાયીઓને પણ હણીને અમને પાપ જ લાગે. ૩૬.

તેથી હે માધવ ! અમારા પોતાના જ બાંધવ એવા ધૃતરાષ્ટ્રના પુત્રોને અમારે હણવા એ યોગ્ય નથી. સ્વજનોને હણીને અમે શું સુખી થઈશું ? ૩૭.