પૃષ્ઠ:Anashakti Yog.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યાં બંને સેનામાં રહેલા વડીલો, પિતામહ, આચાર્ય, મામા, ભાઈઓ, પૌત્રો, ગોઠિયાઓ, સસરાઓ અને સ્નેહીઓ આદિને અર્જુને જોયા. એ બધા બાંધવોને આમ સામસામા ઊભેલા જોઈ ખેદ ઉત્પન્ન થવાથી દીન બનેલા કુંતીપુત્ર આ પ્રમાણે બોલ્યા : ૨૬-૨૭-૨૮.

अर्जुन बोल्या :

હે કૃષ્ણ ! લડવાને સારુ ઉત્સુક થઈ ભેળા થયેલા આ સગાંસ્નેહીઓને જોઈને મારાં ગાત્ર ઢીલાં થઈ જાય છે. મોઢું સુકાય છે, શરીરમાં ધ્રુજારી છૂટે છે અને રૂંવાં ઊભાં થાય છે. ૨૮-૨૯.

હાથમાંથી ગાંડીવ સરી જાય છે, ચામડી બહુ બળે છે. મારાથી ઊભા રહેવાતું નથી, કેમ કે મારું મગજ ફરતું જેવું લાગે છે. ૩૦.

વળી હે કેશવ ! હું અહીં વિપરીત અશુભ ચિહ્નો જોઉં છું. યુદ્ધમાં સ્વજનોને મારીને હું કંઈ શ્રેય નથી જોતો. ૩૧.